- ૯૧ ટકા લોકોનું માસિક બજેટ બગડ્યું.
ઇસ્લામાબાદ,પાકિસ્તાન માટે રાજકીય પડકારો સાથે આર્થિક સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશ માટે આર્થિક પડકારોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ઝડપથી વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. રમજાન મહિનામાં પણ પાકિસ્તાનના લોકોને મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
એક નવો અહેવાલ પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની ગયો છે. ગેલપ દ્વારા સોમવારે જાહેર કરાયેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ૯૧ ટકા પાકિસ્તાની વસ્તુઓના વધારે કિંમતોને કારણે પરેશાન છે અને તેમણે કહ્યું છે કે તેમનું માસિક બજેટ ખરાબ રીતે બગડ્યું છે અને તેમની પાસે ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા પૈસા નથી.
ગેલપ સર્વે અનુસાર ૧૦માંથી ૯ પાકિસ્તાનીઓ રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થવાથી ચિંતિત છે અને તેઓ કહે છે કે ફુગાવા અને આવા ભાવ વધારાને કારણે મહિના માટે તેમના ઘરના બજેટ પર ભાર મૂક્યો છે. સર્વે અનુસાર, લોકોનું કહેવું છે કે તેઓ તેમના માસિક બજેટ મુજબ વસ્તુઓનો ઉપયોગ કરવા અને ગોઠવવા માટે ખૂબ દબાણનો સામનો કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં ગેલપમાં સર્વે માટે દેશભરમાંથી ૧,૧૦૦થી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. સર્વેમાં ૯૧ ટકા લોકોને પૂછવામાં આવ્યું હતું કે સામાન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં આટલા મોટા વધારાને કારણે તેઓ દર મહિને તેમના ઘરના બજેટમાં ખર્ચ કેવી રીતે પૂરા કરે છે. આના પર લોકોએ કહ્યું કે તેઓ તેમના માસિક બજેટને કેવી રીતે બચાવવા માટે ઘણા દબાણનો સામનો કરી રહ્યા છે.
જો કે, સર્વેમાં ૭ ટકા લોકોએ બહુમતીથી વિપરીત પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે કિંમતોમાં વધારો તેમના માટે કોઈ સમસ્યા નથી. જ્યારે ૨ ટકા લોકોએ સર્વે સંબંધિત પ્રશ્ર્ન પર પોતાનો અભિપ્રાય આપ્યો ન હતો.
પાકિસ્તાનમાં લોટ, બ્રેડ અને ઈંડા સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો સતત વધી રહી છે. પેટ્રોલના ભાવ પણ ૩૦૦ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયા છે. નવી કિંમતોના આધારે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૨૮૨ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે હાઈ સ્પીડ ડીઝલની કિંમત ૨૯૩ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.