ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદી હુમલા વચ્ચે પાકિસ્તાનના અગ્રણી મૌલવીઓએ આતંકવાદની નિંદા કરતો ફતવો બહાર પાડ્યો હતો. એક પાકિસ્તાની સમાચાર એજન્સી મુજબ, ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં દારુલ ઉલૂમ પેશાવર અને જામિયા દારુલ ઉલૂમ હક્કાનિયા સહિત અનેક મદરેસાઓ સાથે જોડાયેલા મૌલવીઓએ એક ફતવો બહાર પાડ્યો છે, જેમાં પોલીસ અને સેના સામે હથિયાર ઉઠાવવું શરિયા કાનુન મુજબ હરામ હોવાનું જણાવાયું છે.
વિદ્રોહથી ભરેલા પખ્તુનખ્વા વિસ્તારમાં મૌલવીઓએ જાહેર કરેલા ફતવામાં કહેવામાં આવ્યું છે કે, જેહાદ જાહેર કરવાનો વિશેષાધિકાર ફક્ત ઇસ્લામિક સ્ટેટના વડાઓ પાસે છે. ફતવામાં કહેવામાં આવ્યું છે કે, દરેકને જેહાદની જાહેરાત કરવાનો અધિકાર નથી. ફતવામાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ અને સેના સામે હથિયાર ઉઠાવવું શરિયા અને દેશ બંનેની વિરુદ્ધ છે અને જે કોઈ પાકિસ્તાનના બંધારણ અને કાયદાઓ વિરુદ્ધ બળવો કરશે તેને સજા કરવામાં આવશે.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ, મૌલાના કારી એહસાનુલ હક, મુતી સુભાનલ્લાહ જાન, ડૉ. મૌલાના અત્તાઉર રહેમાન, મૌલાના હુસૈન અહેમદ, મુતી મુખ્તરુલ્લાહ હક્કાની, અલ્લામા આબિદ હુસૈન શકરી અને મૌલાના અબ્દુલ કરીમ સહિત વિવિધ શાળાઓના ધાર્મિક વિદ્વાનોએ ૧૪ પેજના ફતવા પર પોતાની સહી કરી છે. આ ફતવો ખૈબર પખ્તુન અને બલૂચિસ્તાનમાં સુરક્ષા દળો પર હુમલા બાદ બેન કરેલા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને જાહેર કર્યો છે.
મહત્વનું છે કે, બે દિવસ પહેલા ટીટીપી પ્રમુખ મુતી નૂર વલી મહેસૂદે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે તેમનું જૂથ પાકિસ્તાનના ધામક વિદ્વાનોના માર્ગદર્શન માટે ખુલ્લું છે, જો તેઓ માનતા હોય કે અમારી જેહાદની દિશા ખોટી છે. જે બાદ આ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ટીટીપીનો અફઘાનિસ્તાનના તાલિબાન સાથે વૈચારિક સંબંધ છે. તેણે ગયા વર્ષે ૧૦૦થી વધુ આત્મઘાતી હુમલા કર્યા હતા. તેમાના મોટાભાગના હુમલા ઓગસ્ટ પછી કરવામાં આવ્યા હતા, જ્યારે ટીટીપીની પાકિસ્તાન સરકાર સાથેની શાંતિવાર્તા ખોરવાઈ ગઈ હતી. નવેમ્બર ૨૦૨૨માં, ટીટીપીએ જૂન ૨૦૨૨માં પાકિસ્તાન સરકાર સાથે અનિશ્ર્ચિત યુદ્ધ વિરામને પાછો ખેંચી લીધો હતો. આ સાથે તેના આતંકીઓને સુરક્ષા દળો પર હુમલો કરવાનો ખુલ્લો આદેશ આપવામાં આવ્યો હતો.