પાકિસ્તાનમાં લશ્કરી શાસન:ઈમરાને કહ્યું- ૭૦ વર્ષ સુધી સેના સત્તામાં રહી, ૯ મેની હિંસામાં કોઈ હાથ નથી

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે દેશનું શાસન સેનાના હાથમાં છે. એક ઈન્ટરવ્યુમાં ખાને ૯ મેના રોજ સૈન્ય મથકો પર થયેલા હુમલામાં તેમનો કોઈ હાથ હોવાનો ઈક્ધાર કર્યો હતો. ખાનના મતે, પાકિસ્તાનમાં સરકાર ગમે તે હોય, હકીક્ત છે કે સેના એક યા બીજી રીતે સત્તાને નિયંત્રિત કરે છે. ૯ મે ૨૦૨૩ના રોજ ૬૦ અબજ રૂપિયાના અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ઈમરાનના સમર્થકોએ સેના સાથે સંબંધિત ઘણી જગ્યાઓ સળગાવી દીધી હતી. હિંસામાં ૮ લોકોના મોત થયા હતા. ઈમરાને દાવો કર્યો હતો કે પોલીસ ગોળીબારમાં ૨૫ લોકોના મોત થયા છે.

બીબીસી ઉર્દૂને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈમરાને ૯ મેના રોજ અને ત્યારપછીની ઘટનાઓ પર ઘણા સવાલોના જવાબ આપ્યા. કહ્યું- પાકિસ્તાનમાં સત્તા જેમની પાસે છે, પરંતુ સત્ય એ છે કે સેનાની દખલગીરી અને સ્થિતિ યથાવત છે. જો કોઈ વ્યક્તિ આ વાતને નકારે છે, તો તે ફક્ત એટલું જ કહી શકાય કે તે ખોટો છે.

એક સવાલના જવાબમાં ખાને કહ્યું- મને લાગે છે કે આજે નહીં તો કાલે મને જેલમાં મોકલી દેવામાં આવશે. સરકાર અને એજન્સીઓ દ્વારા મારા ૧૦,૦૦૦ સમર્થકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મારી પાર્ટીના નેતાઓને પાર્ટી છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. યુવાનોને જેઓ છોડી ગયા છે તેમનું સ્થાન હું આપીશ. તેનું કારણ એ છે કે યુવાનો પાકિસ્તાનનું ભવિષ્ય છે.

એક પ્રશ્ર્નના જવાબમાં, ખાને સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે ૯ મેની હિંસામાં તેમનો અથવા તેમના સમર્થકોનો કોઈ હાથ હતો. ખાને કહ્યું- તમામ પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તેમની સામે ખુલ્લી તપાસ થવી જોઈએ, જેથી પરિણામ બધાની સામે આવે. જેલમાંથી બહાર આવતાની સાથે જ મેં સૌથી પહેલા તપાસની માગ કરી હતી. સરકાર અને એજન્સીઓ તપાસ કરવાને બદલે અમારી પાછળ પડ્યા.

ખાન એ સ્વીકારવા તૈયાર ન હતા કે ૯ મેના રોજ કોઈ હિંસા થઈ હતી. તેમણે કહ્યું- આ અંગે તમામ પ્રકારના જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. જો આપણે શાંતિપૂર્ણ રીતે બોલી રહ્યા છીએ અથવા માગ કરી રહ્યા છીએ, તો કોઈને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. જો મારા સમર્થકો કહે છે કે ઈમરાન ખાન અમારી રેડ લાઈન છે તો શું તેઓ ખોટું બોલી રહ્યા છે. હું તેમને રોકી શક્તો નથી.

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે બે દિવસ પહેલા ઈમરાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાણાના કહેવા પ્રમાણે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સેના, આઈએસઆઈ અને દેશની અન્ય એજન્સીઓને દુનિયામાં બદનામ કરવા ઈચ્છતા હતા. તેઓએ કાવતરું ઘડ્યું હતું કે ૯ મેના હિંસા કેસમાં મહિલા આરોપીઓની ધરપકડ દરમિયાન તપાસ એજન્સીઓ પર બળાત્કારનો આરોપ લગાવવો જોઈએ. એક કોલ રેકોર્ડ થયો અને આ રીતે ષડયંત્રનો પર્દાફાશ થયો. હવે હિંસામાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. આરોપીઓમાં ૩૦૦થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. ગૃહમંત્રીનો દાવો છે કે આ મહિલા સમર્થકો દ્વારા ખાન તપાસ એજન્સીઓને બળાત્કારનો આરોપ લગાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા.