ઇસ્લામાબાદ,હ્યુમન રાઈટ્સ કમિશન ઓફ પાકિસ્તાને વર્ષ ૨૦૨૨ માટે તેનો મુખ્ય વાર્ષિક સ્ટેટ ઓફ હ્યુમન રાઈટ્સ રિપોર્ટ જાહેર કર્યો. જેમાં તેમણે ગયા વર્ષે પાકિસ્તાનમાં રાજકીય અને આર્થિક ઉથલપાથલ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસા સહિત માનવાધિકાર ઉલ્લંઘનના અનેક મામલા સામે આવ્યા છે.
લઘુમતીઓ પર હુમલા ઉપરાંત આતંકવાદી હુમલાઓમાં પણ ગયા વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ૫ વર્ષની સરખામણીમાં આ આંકડાઓ ખૂબ ઝડપથી વધ્યા છે. વર્ષ ૨૦૨૨માં જ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં ૫૩૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગુમ થવાના ૨,૨૧૦ કેસ નોંધાયા છે.
પાકિસ્તાનના હ્યુમન રાઇટ્સ કમિશનના રિપોર્ટમાં નોંધ્યું છે કે વર્તમાન અને અગાઉની બંને સરકારો સંસદની સર્વોચ્ચતાનું સન્માન કરવામાં નિષ્ફળ રહી છે, જ્યારે વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેની લડાઇએ સંસ્થાકીય વિશ્ર્વસનીયતાને નબળી પાડી છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે રાજદ્રોહને ડામવા માટે વસાહતી-યુગના કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરીને સમગ્ર વર્ષ દરમિયાન રાજકીય સતામણી ચાલુ રહી હતી.
રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન દેશના ડઝનબંધ પત્રકારો અને વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને કસ્ટડીમાં ત્રાસ આપવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગયા વર્ષે જ પાકિસ્તાની સંસદે ત્રાસને અપરાધ કરતું બિલ પસાર કર્યું હતું. પાકિસ્તાનમાં, ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત પર સફળ મતદાન બાદ દેશના વિવિધ ભાગોમાં પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓની આંદોલનકારીઓ સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન થયું, પરંતુ તેનો દુરુપયોગ પણ થયો.
પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમો પરનો ખતરો ઓછો થયો નથી. અહમદિયા સમુદાયના અનેક પૂજા સ્થાનો સહિત લગભગ ૯૦ કબરો નાશ પામી હતી. તે જ સમયે, ૪,૨૨૬ મહિલાઓ સાથે બળાત્કારના મામલા પણ સામે આવ્યા છે. આમાંના મોટાભાગના કેસ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના છે. પાકિસ્તાનમાં રહેતા ટ્રાન્સજેન્ડરો સામે હિંસાના કિસ્સા પણ સામે આવ્યા છે. દેશમાં બંધુઆ મજૂરોની હાલત પણ દયનીય છે. ગયા વર્ષે લગભગ ૧૨૦૦ મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે.