કરતારપુર કોરિડોર બાદ પાકિસ્તાનના એક પ્રાંતીય મંત્રી વધુ એક ધાર્મિક કોરિડોર ખોલવાનું વિચારી રહ્યા છે. વાસ્તવમાં, સિંધના પર્યટન મંત્રી ઝુલ્ફીકાર અલી શાહ દુબઈમાં હતા. અહીં તેઓ સિંધ પ્રાંતમાં પર્યટનને પ્રોત્સાહન આપવા સંબંધિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે એક ધામક કોરિડોર બનાવી શકીએ છીએ, જેથી ભારતના હિન્દુ અને જૈન સમુદાયના લોકો અમારા પ્રાંતમાં આવીને તેમની પૂજા કરી શકે.
કાર્યક્રમમાં તેમણે વધુમાં કહ્યું કે કોરિડોર ઉમરકોટ અને નગરપારકરમાં બનાવી શકાય છે. ઉમરકોટમાં ભગવાન શિવનું મંદિર છે. એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ ૨૦૦૦ પહેલા થયું હતું. નગરપારકરમાં ઘણા ત્યજી દેવાયેલા જૈન મંદિરો પણ છે. અહીં મોટી સંખ્યામાં હિન્દુ વસ્તી રહે છે. પાકિસ્તાનમાં ધામક સ્થળોની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં હિન્દુઓ અને જૈનો ભારતમાંથી આવવા માંગે છે. તમને જણાવી દઈએ કે, સિંધ સરકારના પ્રવક્તાએ પણ સમાચાર એજન્સી પીટીઆઈને પુષ્ટિ આપી છે કે પર્યટન મંત્રી શાહે તેમના વિભાગના અધિકારીઓ સાથે આ સંભાવના પર ચર્ચા કરી છે.
પ્રાંતના પ્રવક્તાનું કહેવું છે કે તેમણે વિભાગના અધિકારીઓને દુબઈમાં ઝુલ્ફીકાર અલી શાહે આપેલા ભાષણનો પણ ઉલ્લેખ કર્યો છે. જોકે, આ અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી કારણ કે આ ફેડરલ સરકારનો મામલો છે. ધામક પ્રવાસીઓની સુવિધા માટે શાહે ભારતથી સુક્કર અથવા લરકાના માટે સાપ્તાહિક ફ્લાઈટ શરૂ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય છે. સત્તાવાર અંદાજ મુજબ, પાકિસ્તાનમાં ૭૫ લાખ હિંદુઓ રહે છે. જો કે, સમુદાય અનુસાર, દેશમાં ૯૦ લાખથી વધુ હિન્દુઓ વસે છે. પરમ હંસ જી મહારાજ સમાધિ (ખૈબર-પખ્તુનખ્વા), બલૂચિસ્તાનમાં હિંગલાજ માતાનું મંદિર, પંજાબના ચકવાલ જિલ્લામાં કટાસ રાજ કોમ્પ્લેક્સ અને પંજાબના મુલતાન જિલ્લામાં પ્રહલાદ ભગત મંદિર પાકિસ્તાનના કેટલાક મુખ્ય હિન્દુ મંદિરો છે.