પાકિસ્તાનમાં હિન્દુ ડોક્ટરની હત્યા:કરાચીમાં ક્લિનિકથી ઘરે પરત ફરતી વખતે હુમલાખોરે ગોળી મારી

ઇસ્લામાબાદ,પાકિસ્તાનના કરાચીમાં હિન્દુ ડોક્ટર બિરબલ જેનાનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આંખના નિષ્ણાત જેનાની કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગમાં સીનિયર ડિરેક્ટર પદ પર રહ્યા હતા. પોલીસે આ ઘટનાને ટાર્ગેટ કિલિંગ ગણાવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ડૉક્ટર જેનાની તેમના સહાયક ડૉક્ટર સાથે રામાસ્વામી વિસ્તારથી ગુલશન-એ-ઈકબાલ ખાતેના તેમના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બંદૂકધારી હુમલાખોરે તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. હુમલાને કારણે કાર બેકાબુ થઈ ગઈ હતી અને દિવાલ સાથે અથડાઈ હતી, જેમાં ડૉ.જેનાનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેના આસિસ્ટન્ટને પણ ગોળી વાગી છે. સિંધના ગવર્નર કામરાન ખાને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ મામલે પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે.

ગયા અઠવાડિયે, ઘોટકી જિલ્લામાં પોલીસે એક હિન્દુ રેસ્ટોરન્ટના માલિકને માર માર્યો હતો. અહેવાલો અનુસાર, રેસ્ટોરન્ટ માલિક તેના અન્ય હિન્દુ મિત્રો સાથે માર્કેટમાં ડિલિવરી માટે બિરયાની બનાવી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં પોલીસ અધિકારી હાથમાં લાકડી સાથે જોવા મળી રહ્યા છે. તેમણે રેસ્ટોરન્ટના માલિક પર રમઝાનના નિયમો તોડવાના આરોપ લગાવ્યા હતા.

પોલીસ અધિકારીએ તેને લાકડી વડે માર માર્યો હતો. આ પછી રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટનો માલિક અધિકારીને કહેતો રહ્યો કે તે હિન્દુ છે અને ફૂડ બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. રમઝાન દરમિયાન, તે રેસ્ટોરન્ટમાં ભોજન પીરસતો નથી. આ પછી, પોલીસે બળજબરીથી ધામક પુસ્તક પર હાથ રાખીને રેસ્ટોરન્ટના માલિકને શપથ લેવડાવ્યા હતા. રેસ્ટોરન્ટના માલિકને હેરાન કરવામાં આવ્યો હતો. તે સિવાય ૧૨થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના હૈદરાબાદમાં ૭-૮ માર્ચની વચ્ચેની રાત્રે એક હિન્દુ ડૉક્ટરની હત્યા કરવામાં આવી હતી. ૬૦ વર્ષીય ડૉ. ધરમ દેવ રાઠી સ્કિન સ્પેશ્યાલિસ્ટ હતા. તેમની હત્યા તેના ડ્રાઈવર હનીફ લેઘારીએ કરી હતી, ત્યારબાદ તે ભાગી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હત્યાના થોડા સમય પહેલા ડો.ધરમ દેવે તેમના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી. આ વાતથી તેનો ડ્રાઈવર હનીફ ગુસ્સે થયો હતો અને ઘરે પરત ફરતા તેણે ડોક્ટરનું ગળું કાપીને હત્યા કરી હતી.