નવીદિલ્હી,આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. આજે પહેલા દિવસે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પાકિસ્તાનમાં કેદ ગુજરાતના માછીમારોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો સમુદ્ર કિનારો પાકિસ્તાનને અડીને આવેલો છે અને આજના સમયમાં પણ પાકિસ્તાનની જેલોમાં ગુજરાતના ૧૫૬ માછીમારો કેદ છે. સરકારે આ માછીમારોને છોડાવવા નક્કર પગલાં લેવા જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાનના કાયદા મુજબ તમે ભૂલથી સુદ્રી સરહદને પાર કરીને પાકિસ્તાનની હદમાં ઘૂસો તો તમને મહત્તમ ત્રણ વર્ષની કેદ થાય છે. પરંતુ આજના સમયમાં ગુજરાતના અનેક માછીમારો ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ત્યાંની જેલમાં કેદ છે. વધુમાં હવે આ માછીમારો તેમના પરિવાર સાથે પણ કોઈ સંપર્ક કરી શક્તા નથી.
અગાઉની મનમોહનસિંહજીની સરકારના સમયમાં અમે આ માછીમારોની ભલાઈ માટે કેટલીક જોગવાઈ લઈને આવ્યા હતા, પરંતુ વર્તમાન સરકારમાં આ યોજનાઓ સક્રિય નથથી રખાઈ. તે સમયની સરકારે માછીમારોની મદદ માટે જંગી રકમ આપી હતી, પરંતુ તે તેમના સુધી પહોંચી જ નહીં. અમારી માગ છે કે આ બાબતની સીબીઆઈ તપાસ થવી જોઈએ.
શક્તિસિહ ગોહિલે સરકારને વિનંતી કરી કે ગુજરાતના માછીમારોને પાકિસ્તાની જેલોમાંથી છોડાવવા માટે કેન્દ્ર કોઈ નક્કર પ્રયત્નો કરે. અગાઉ માછીમારો જેલમાંથી તેમના પરિવારને પત્ર લખીને સંપર્કમાં રહી શક્તા હતા અને પરિવારજનો પણ તેમને પત્ર લખી શક્તા હતા, પરંતુ હાલમાં તેમને આ સુવિધા અપાતી નથી. વધુમાં પાકિસ્તાની રેન્જર્સ માત્ર માછીમારોને પકડી જ નથી જતા પરંતુ તેમની બોટ પણ જપ્ત કરી લે છે, જે તેમની આજીવિકાનું સાધન હોય છે. ત્યાર પછી માછીમારોને છોડવામાં આવે ત્યારે તેમને વાઘા સરહદેથી ભારત મોકલાય છે, પરંતુ તેમની બોટ પાછી અપાતી નથી. તો સરકારે માછીમારોને ફિશિંગ બોટની સબસિડી આપવી જોઈએ અને બેક્ધ લોનના હપ્તાની સુવિધા વધારવી જોઈએ. વધુમાં કેદમાં રહેનારા માછીમારોના પરિવારજનોના નિર્વાહ માટે સહાય રકમ વધારવી જોઈએ.