પાકિસ્તાનમાં દૂધ ૨૩૦ રૂપિયા પ્રતિ લીટર, ચિકન ૧૧૦૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યું છે

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ આખરે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સામે ઝૂકી ગયા છે. શાહબાઝ સરકાર આઇએમએફ સાથે વાતચીતમાં કોઈ શરત સ્વીકારવા તૈયાર નહોતી, પરંતુ ટીમના પાકિસ્તાન છોડતાની સાથે જ તેણે દરેક શરત પર પોતાની સંમતિ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય કેબિનેટે હવે પાવર સબસિડી નાબૂદ કરીને વીજળીના ભાવમાં વધારાને મંજૂરી આપી દીધી છે આઇએમએફની શરતોમાં વીજળી સહિતની વિવિધ સબસિડી હટાવવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાની કેબિનેટે વર્ચ્યુઅલ રીતે વાતચીત પહેલા આઇએમએફને ખુશ કરવા માટે આ નિર્ણય લીધો છે. આ સિવાય પાકિસ્તાનમાં દૂધ ૨૩૦ રૂપિયામાં અને ચિકન ૧૧૦૦ રૂપિયામાં મળે છે. કેબિનેટે નિર્ણય લીધો છે કે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૩, માર્ચ-મે ૨૦૨૩, જૂન-ઓગસ્ટ અને સપ્ટેમ્બર-નવેમ્બરમાં વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ કુલ રૂ. ૭.૯૧નો વધારો કરશે. આ યોજના હેઠળ, સરકાર હવેથી વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. ૩.૨૧, માર્ચ-મેથી રૂ. ૦.૬૯ અને જૂનથી ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં ફરી રૂ. ૧.૬૪ પ્રતિ યુનિટનો વધારો કરશે. સપ્ટેમ્બર-નવેમ્બરની વચ્ચે સરકાર ફરી એકવાર વીજળીના દરમાં ૧.૯૮ રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કરશે.

પાકિસ્તાનમાં વીજળીની સાથે અન્ય વસ્તુઓના ભાવ પણ આસમાને છે. પાકિસ્તાનમાં દૂધના ભાવ ૨૧૦ રૂપિયાને પાર પહોંચી ગયા છે. જો તેને ભારતીય ચલણમાં જોવામાં આવે તો તે ૬૫ રૂપિયા પ્રતિ લીટર છે. દૂધ ઉપરાંત ચિકનના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ચિકન ૧૧૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યું છે.