
નવીદિલ્હી,ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહી ચૂકેલા અબ્દુલ બાસિતે કહ્યું છે કે ભારત ટૂંક સમયમાં પાકિસ્તાન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. બાસિતે કહ્યું- ૨૦ એપ્રિલે જમ્મુના પૂંછમાં ભારતીય સૈનિકો પર હુમલો થયો હતો. ત્યારથી પાકિસ્તાનમાં ચર્ચા છે કે ભારત ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે.
બાસિતે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાનને ભારત તરફથી જવાબી હુમલાનો ખતરો છે અને તેનું કારણ પૂંછનો હુમલો છે. જેમાં ૫ ભારતીય જવાનો શહીદ થયા હતા.
બાસિતના કહેવા પ્રમાણે, પાકિસ્તાનમાં હાલમાં ભારત તરફથી વધુ એક સજકલ સ્ટ્રાઈકના જોખમની ચર્ચા થઈ રહી છે. તે હવાઈ હુમલો પણ હોઈ શકે છે. જો કે, મને એમ પણ લાગે છે કે SCO સમિટ ભારતમાં યોજાવા જઈ રહી છે અને G20ની અધ્યક્ષતા પણ ભારત પાસે છે, તો શું તે આવી સ્થિતિમાં આવું કોઈ પગલું ભરશે? આમ તો આવતા વર્ષે ચૂંટણી છે અને પછી આવા હુમલાનું જોખમ ઘણું વધારે હશે. ભારતમાં સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાન પર હુમલો થઈ શકે છે.
બાસિતે પૂંછમાં થયેલા આતંકી હુમલાને યોગ્ય ઠેરવવા દલીલો પણ કરી હતી. તેમણે કહ્યું- પૂંછમાં જેણે પણ ભારતીય સેના પર હુમલો કર્યો, તેણે માત્ર સૈન્યને નિશાન બનાવ્યું, કોઈ નાગરિકને નહીં. તે મુજાહિદ્દીન હોઈ શકે છે, જેઓ તેમના અધિકારો માટે લડી રહ્યા છે. જ્યારે કોઈ આંદોલન હોય ત્યારે માત્ર સૈન્યને નિશાન બનાવવામાં આવે છે, સામાન્ય નાગરિકોને નહીં. ભારત અત્યારે ક્યાં ઊભું છે તે સારી રીતે જાણે છે.
૨૦ એપ્રિલના રોજ, આતંકવાદીઓએ પૂંછમાં સ્ટીકી બોમ્બથી ભારતીય સેનાની ટ્રકને નિશાન બનાવી હતી. આ હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. આ જવાનો ઈતાર માટે ખાદ્યપદાર્થો લઈને જઈ રહ્યા હતા.હુમલા બાદ સેનાએ પૂંછના ગાઢ જંગલમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા એક રક્ષા સૂત્રએ કહ્યું- અમારી પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર આ વિસ્તારમાં ૬ કે ૭ આતંકીઓ હાજર છે.તારીખ- ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬. સમય- સવારે ૫:૩૦ કલાકે. ભારતીય સૈનિકોના વેશમાં ચાર આતંકવાદીઓ એલઓસી પાર કરીને કાશ્મીરમાં ઘૂસ્યા. તેમનું નિશાન ઉરીમાં ભારતીય સેનાનું બ્રિગેડ હેડક્વાર્ટર હતું. દિવસના અજવાળા પહેલા આતંકવાદીઓ હુમલો કર્યો. ૩ મિનિટની અંદર, આતંકવાદીઓએ કેમ્પ પર ૧૫ થી વધુ ગ્રેનેડ ફેંક્યા. આ હુમલામાં ભારતીય સેનાના ૧૯ જવાનો શહીદ થયા છે. ઘણા ઘાયલ થયા હતા. સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં ચારેય આતંકીઓ માર્યા ગયા હતા.