પાકિસ્તાનમાં બિપોરજોય: સિંધ પ્રાંતમાં ભારે પવન સાથે વરસાદ, ૭૨ હજાર લોકોનું સ્થળાંતર

ઇસ્લામાબાદ, ભારતની સાથે-સાથે પડોશી દુશ્મન દેશમાં બિપોરજોયનો ખતરો તોડાય રહ્યો છે. ચક્રવાતી તોફાન બિપરજોયને લઈને ભારત તેમજ પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારો હાઈ એલર્ટ પર છે.સિંધ પ્રાંતમાં ભારે પવન સાથે ભારે વરસાદમાં જન-જીવન ખોરવાયું છે.પાકિસ્તાનના પર્યાવરણ મંત્રી શેરી રહેમાનના જણાવ્યા અનુસાર, બિપોરજોયની સ્પીડમાં ઘટાડો નોંધાયો છે.

પાકિસ્તાનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ અનુસાર, પવન ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલશે. સમુદ્રમાં ખૂબ ઊંચા મોજા ઉછળી શકે છે. ચક્રવાત સાથે સંકળાયેલા તમામ જોખમોને ધ્યાનમાં રાખીને સરકારે ૭૨ હજાર લોકોને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાંથી બહાર કાઢ્યા છે. હોસ્પિટલોને એલર્ટ રહેવા સુચનાઓ આપવામાં આવી છે. શાળાઓ અને સરકારી કચેરીઓને રાહત કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

પાકિસ્તાનની અહેવાલ અનુસાર, સિંધ પ્રાંત બિપરજોયથી સૌથી વધુ પ્રભાવિત છે. તેના ૩ જિલ્લા થટ્ટા, સુજાવલ, બદીનમાં ૪૪ રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. આ ત્રણ જિલ્લાઓની ૮૨% વસ્તીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી છે. સેનાને આગામી ૭૨ કલાક માટે હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

રહેમાને જણાવ્યું છે કે ઘણા લોકોને તેમના સંબંધીઓના ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી વહીવટીતંત્ર તરફથી ગ્રીન સિગ્નલ ન મળે ત્યાં સુધી લોકોને પાછા ન ફરવા માટે કહેવામાં આવ્યું છે. શેરી રહેમાને પણ લોકોને અપીલ કરી છે કે તેઓ ઘરો પર લગાવવામાં આવેલી સોલાર પેનલને બચાવે. પર્યાવરણ મંત્રી શેરી રહેમાને પણ વધુ એક ચક્રવાતની શક્યતા વ્યક્ત કરી છે.

બિપરજોય ચક્રવાતને કારણે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૩૦૦ મીમી વરસાદની સંભાવના છે. સૌથી વધુ અસર થટ્ટા, સજવાલ, ઉમરકોટ, બદીન અને થરપારકરમાં થશે. ૧૫ થી ૧૭ જૂન દરમિયાન ભારે વરસાદ પડશે.