પાકિસ્તાનમાં બાંગ્લાદેશવાળી: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું માથું વાઢનારને એક કરોડનું ઇનામ

પાકિસ્તાનમાં બાંગ્લાદેશવાળી થઈ છે. કટ્ટરપંથીઓની જમાત રસ્તા પર ઉતરી આવી છે અને રાજધાની ઇસ્લામાબાદમાં કટ્ટરપંથીઓના સેકંડોના ટોળાએ સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો છે. કટ્ટરપંથીઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું માથુ વાઢનારને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

કટ્ટરપંથીઓ પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસાના ઈશનિંદા સંબંધિત નિર્ણય પર નારાજ હતા. તેમણે ધર્મ અધિકાર અધિનિયમ હેઠળ ઈશનિંદાના આરોપમાંથી એક અહમદિયા વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો. હદ તો ત્યારે થઈ કે જ્યારે કટ્ટરપંથી જૂથના નેતાએ પાકિસ્તાનમાં ચીફ જસ્ટિસના માથે ૧ કરોડનું ઈનામ જાહેર કરી દીધું.

પાકિસ્તાની અખબાર ડોન અનુસાર, સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ આલમી મજલિસ તહાફુઝ-એ-નબુવત કરી રહ્યું હતું. આમાં જમાત-એ-ઇસ્લામી અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામના નેતાઓ પણ તેમને સમર્થન આપી રહ્યા હતા. તેઓ પાકિસ્તાનના ચીફ જસ્ટિસના રાજીનામાની માગ કરી રહ્યા હતા. તેમની એ પણ માગ હતી કે કોર્ટ પોતાનો નિર્ણય પલટી નાખે.

હજારો પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટની બહાર સુરક્ષા કોર્ડન તોડી નાખ્યું હતું. તેઓ બિલ્ડિંગ પાસે પહોંચ્યા. તેમને કોર્ટમાં પ્રવેશતા રોકવા માટે પોલીસે વોટર કેનન, ટીયરગેસ અને લાઠીચાર્જનો આશરો લીધો હતો. હવે વિરોધનું નેતૃત્વ કરી રહેલા સંગઠન આલમી મજલિસે હવે સુપ્રીમ કોર્ટને તેના નિર્ણયની સમીક્ષા કરવા માટે ૭ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જિયો ટીવી અનુસાર આ વિવાદ ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયથી શરૂ થયો હતો.સુપ્રીમે અહમદિયા સમુદાયના મુબારક અહેમદ સાનીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સાનીની ૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સાની પર ૨૦૧૯માં એક કોલેજમાં ‘એફસીર-એ-સગીર’નું વિતરણ કરવાનો આરોપ હતો.

એફસીર-એ-સગીર એ અહમદિયા સમુદાય સાથે સંકળાયેલ એક ધામક પુસ્તક છે. જેમાં અહમદિયા સંપ્રદાયના સંસ્થાપકના પુત્ર મિર્ઝા બશીર અહેમદે કુરાનનું પોતાની રીતે અર્થઘટન કર્યું છે. કુરાન (પ્રિન્ટિંગ અને રેકોડગ) (એમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૨૧ હેઠળ સાનીની ધરપકડ કરવામાં આવી હતી. સાનીએ કોર્ટમાં દલીલ કરી હતી કે જે એક્ટ હેઠળ તેને સજા કરવામાં આવી રહી છે તે ૨૦૧૯માં હતો જ નહીં. તે ત્યારે પોતાના ધર્મ સંબંધિત પુસ્તકનો પ્રચાર કરવા માટે સ્વતંત્ર હતા. સુપ્રીમ કોર્ટે સાનીની દલીલ પર સહમતી જણાવી તેને મુક્ત કરી દીધો.