ઇસ્લામાબાદ,પાકિસ્તાનમાં સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. એક સમયે પાકિસ્તાનને ટેકો આપનારા આતંકવાદીઓ હવે પાકિસ્તાનને જ નિશાન બનાવી રહ્યા છે. તાજા કિસ્સામાં, આતંકવાદીઓએ ફરી એકવાર પાકિસ્તાનમાં અર્ધલશ્કરી દળો પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં બે જવાનો શહીદ થયા છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ મંગળવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં ’પેરામિલિટરી ફ્રન્ટિયર કોર્પ્સ’ની ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં બે જવાનો શહીદ થયા હતા.
આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ’તિરાહ વેલી ખૈબર’ આદિવાસી જિલ્લાના અપર બારા વિસ્તારમાં નજીકના પર્વતોમાંથી ફ્રન્ટિયર કોર્પ્સના બોમ્બ નિકાલ એકમ પર ગોળીબાર કર્યો, જેમાં બે સૈનિકો ઘાયલ થયા જેઓ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને ભાગી રહેલા આતંકવાદીઓને પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં સુરક્ષા અને સૈન્ય સંસ્થાઓ પર આતંકવાદી હુમલામાં વધારો થયો છે. તહરીક-એ-જેહાદ પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા ૧૨ ડિસેમ્બરે થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૨૩ સૈનિકો માર્યા ગયા હતા અને ૩૦ થી વધુ ઘાયલ થયા હતા. પાકિસ્તાનમાં કેટલાક મોટા હુમલા પાછળ આતંકી સંગઠન ટીજેપીનો હાથ છે.
આ પહેલા પણ પાકિસ્તાનમાં આતંકી હુમલાઓએ તબાહી મચાવી છે. શુક્રવાર, ૪ નવેમ્બરે, આતંકવાદીઓએ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૪ જવાનો શહીદ થયા હતા. બલૂચિસ્તાનમાં આ આતંકવાદી હુમલો આ વર્ષનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે, જેમાં પાકિસ્તાની સેનાના સૌથી વધુ સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આતંકવાદીઓએ આ હુમલો ત્યારે કર્યો જ્યારે સૈનિકોના બે વાહનો ગ્વાદર જિલ્લાના પસનીથી ઓરમારા વિસ્તારમાં જઈ રહ્યા હતા.