પાકિસ્તાનમાં અફઘાન બોર્ડર પાસે વિસ્ફોટ, પેટાચૂંટણી લડી રહેલા પૂર્વ સેનેટર સહિત પાંચના મોત

પાકિસ્તાનમાં અફઘાન સરહદ પાસે થયેલા વિસ્ફોટમાં પૂર્વ સેનેટર સહિત પાંચ લોકોના મોત થયા છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે આતંકવાદીઓએ પૂર્વ સેનેટરની કારને રિમોટ કંટ્રોલ બોમ્બથી નિશાન બનાવી હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે બ્લાસ્ટ માટે કયા વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલા પાછળ કોનો હાથ હતો? જોકે, આ હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનએ પણ સંડોવણીનો ઇનકાર કર્યો છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનમાં ૧૧ જુલાઈએ પેટાચૂંટણી યોજાવાની છે, જેમાં પૂર્વ સેનેટર હિદાયતુલ્લા ખાન અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.ખાન, તેના બે સાથી અને બે પોલીસ ગાર્ડ એક કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. અફઘાન સરહદથી ૪૫ કિમી દૂર બાજૌર જિલ્લામાં પહોંચતા જ વિસ્ફોટ થયો અને ખાન, તેના બે સાથીઓ અને એક પોલીસ ગાર્ડ સાથે માર્યા ગયા. ૨૦૨૧માં તાલિબાને કાબુલ પર કબજો મેળવ્યા બાદ આ વિસ્તારમાં આતંકવાદ વધી રહ્યો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ટીટીપી અને તેની સાથે સંકળાયેલા જૂથો આ ક્ષેત્રમાં સૌથી વધુ સક્રિય છે, જે સુરક્ષા દળોને વ્યાપક રીતે નિશાન બનાવે છે.

આપને જણાવી દઈએ કે સામાન્ય ચૂંટણી પહેલા જાન્યુઆરીમાં બાજૌર જિલ્લામાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું સમર્થન કરતા ઉમેદવારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઇસ્લામિક સ્ટેટ જૂથની સ્થાનિક શાખાએ આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી.

જો કે, ગયા મહિને જ સરકારે આતંકવાદ સામેની લડાઈમાં સશ દળોને ટેકો આપવા માટે નવી આતંકવાદ વિરોધી કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આમ છતાં પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓ અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી.