પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો: પેશાવરમાં પોલીસ લાઇન પાસે આવેલી મસ્જિદમાં એટેક; ૨૫ પોલીસકર્મીઓનાં મોત

પેશાવર,

પાકિસ્તાનના પેશાવર શહેરમાં આત્મઘાતી હુમલો થયો છે. શરૂઆતમાં મળતી જાણકારી પ્રમાણે, પોલીસ લાઇનમાં બનેલી મસ્જિદની અંદર ધમાકો થયો છે. ન્યૂઝ એજન્સી છહ્લઁના જણાવ્યા પ્રમાણે અનેક લોકો મારી ગયા છે. જોકે, અત્યાર સુધી ૨૫ પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા છે. ૧૨૦ લોકોના ઘાયલ થયા છે. પાકિસ્તાન આર્મીએ આ વિસ્તારને ઘેરી લીધો છે. આ મસ્જિદની નજીક જ આર્મીની એક યૂનિટની ઓફિસ પણ છે.

જિયો ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, બ્લાસ્ટ ખૂબ જ તાકાતવર હતો અને તેનો અવાજ ૨ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. પોલીસ લાઇનમાં રહેલાં લોકોના જણાવ્યા પ્રમાણે આ ધમાકા પછી ધૂળ અને ધુમાડાના ગોળા જોવા મળ્યાં હતાં. તે પછી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો.

જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આ હુમલાની જવાબદારી લીધી છે. એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે, નમાઝના સમયે મસ્જિદમાં લગભગ ૫૦૦થી ૫૫૦ લોકો હાજર હતા. આત્મઘાતી હુમલાખોર વચ્ચે એક લાઈનમાં હાજર હતો. તે પોલીસ લાઈનમાં કેવી રીતે પહોંચ્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી, કારણ કે અહીં અંદર જવા માટે ગેટ પાસ બતાવવો પડે છે. મસ્જિદ ધરાશાયી થઈ ગઈ છે અને ઘણાં લોકો તેના કાટમાળ નીચે ફસાયા હોવાનું માનવામાં આવે છે.

આ વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનું ખાસ પ્રભુત્વ છે અને ભૂતકાળમાં પણ આ જ સંગઠને અહીં હુમલો કરવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. જેમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જતા જોઈ શકાય છે.

બધા જ ઘાયલ લોકોની સારવાર માટે પેશાવરના લેડી હાડગ હોસ્પિટલમાં શરૂ છે. હોસ્પિટલ તરફથી આવેલાં બયાનમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સામાન્ય લોકો જેટલું બની શકે, તેટલું જલ્દી બલ્ડ ડોનેટ કરવા માટે હોસ્પિટલ પહોંચે. આ દરમિયાન મિલિટ્રીના ડોક્ટરોની એક ટીમ પણ આ હોસ્પિટલ પહોંચી ગઈ છે.

૨૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદમાં એક આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં એક પોલીસ અધિકારીનું મૃત્યુ થઈ ગયું હતું. સાથે જ તેમાં ૧૦ લોકો ઘાયલ પણ થયાં હતાં. આત્મઘાતી હુમલા પછી ઓફિસરોએ કહ્યું હતું કે પોલીસની સાવધાનીથી ઇસ્લામાબાદમાં મોટો હુમલો અટકી ગયો.જોકે, પેશાવરની મસ્જિદમાં બ્લાસ્ટની આ પહેલી ઘટના નથી. આ પહેલા માર્ચ ૨૦૨૨માં એક શિયા મસ્જિદમાં મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા ૫૭ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૦૦ લોકો ઘાયલ પણ થયા છે. આ વિસ્ફોટ શુક્રવારની નમાજ દરમિયાન થયો હતો, જ્યારે પવિત્ર દિવસના અવસર પર મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા. આ વિસ્ફોટ પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં સ્થિત જામિયા મસ્જિદ તરીકે ઓળખાતી પ્રખ્યાત શિયા મસ્જિદમાં થયો હતો.