પાકિસ્તાનમાં આ વર્ષે માત્ર છ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં પત્રકારોની હત્યા

કલ્પના કરો કે જે દેશમાં સત્ય બહાર લાવનારાઓની હત્યા થઈ રહી છે ત્યાં સામાન્ય લોકોની શું હાલત હશે. તમે સાંભળીને ચોંકી જશો કે આ વર્ષ પણ પસાર નથી થયું અને હજુ સુધી અહીં સાત પત્રકારોની હત્યા કરવામાં આવી છે. હા, એક મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્ષના પ્રથમ છ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં પત્રકારોની હત્યા કરવામાં આવી છે.

સૌથી તાજેતરની ઘટનામાં, જૂન મહિનામાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્થાનિક પ્રેસ ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ ખલીલ જિબ્રાનની હત્યા કરવામાં આવી હતી. ખરેખર, જીબ્રાન કારમાં ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે બે લોકોએ તેના પર હુમલો કર્યો. આ બદમાશોએ પહેલા તેને કારમાંથી બહાર કાઢ્યો અને પછી ગોળી મારી દીધી.

પત્રકારોની હત્યાની તપાસ કરતી સંસ્થા માટે કામ કરતા આદિલ જવાદે જણાવ્યું હતું કે પત્રકારોની હત્યાના સાતમાંથી ઓછામાં ઓછા ચાર કેસ તેમના કામ સાથે સંબંધિત હતા. તમને જણાવી દઈએ કે, જેમનો જીવ લેવામાં આવ્યો તેમાં પરંપરાગત પત્રકારો અને નાગરિક પત્રકારોનો સમાવેશ થાય છે.

મોટાભાગના મૃત્યુ નાના શહેરો અને નગરોમાં થયા છે, જ્યાં વ્યાવસાયિક પત્રકારોની ઓળખ વધારવામાં અને નાગરિક પત્રકારોને પ્લેટફોર્મ આપવામાં સોશિયલ મીડિયાની ભૂમિકા સૌથી વધુ અનુભવાઈ છે. જાવાદે કહ્યું કે આ હુમલા ગુનેગારોને બચાવવા માટે કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, પ્રેસની સ્વતંત્રતાની હિમાયત કરનાર ફ્રીડમ નેટવર્કે કહ્યું કે ૨૦૧૨ થી ૨૦૨૨ વચ્ચે ૫૩ પત્રકારો તેમના કામના કારણે માર્યા ગયા. જ્યારે માત્ર બે કેસના ગુનેગારોને સજા આપવામાં આવી હતી.

સોશિયલ મીડિયાના ઉદય અને મુખ્યપ્રવાહના પ્રેસ પર અંકુશને કારણે તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં નાગરિક પત્રકારત્વનો નોંધપાત્ર વિકાસ થયો છે. કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અને ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાની જવાબદારી સામાન્ય લોકોએ ઉપાડી છે.

મેના અંતમાં નસરુલ્લા ગદાની, સ્થાનિક રાજકારણીઓ, જમીનમાલિકો અને સામંતોને તેમના રિપોટગમાં જવાબદાર ઠેરવવા માટે જાણીતા પત્રકાર, સિંધ પ્રાંતના બદીન જિલ્લામાં માર્યા ગયા હતા. જેના કારણે વિરોધનું મોજું ફરી વળ્યું હતું. તેના ભાઈ યાકુબ ગડાનીએ આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક સાંસદ ખાલિદે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જો કે ખાલિદે આ આરોપોને નકારી કાઢ્યા છે.ગડાનીના મૃત્યુના માત્ર ત્રણ દિવસ પહેલા જ ઉત્તર વઝીરિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા જિલ્લામાં અન્ય પત્રકાર કામરાન દાવરની હત્યા કરવામાં આવી હતી.

આ મૃત્યુ પર પ્રતિક્રિયા આપતા, ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સના સેક્રેટરી જનરલ એન્થોની બેલેંગરે કહ્યું હતું કે પાકિસ્તાનમાં પત્રકારો અને મીડિયા કર્મચારીઓને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો બંધારણીય અધિકાર છે. જો કે, લક્ષ્યાંક્તિ હુમલાઓ અને હત્યાઓને કારણે આ અધિકાર નબળો પડે છે. સત્તાવાળાઓએ ખાતરી કરવી જોઈએ કે મીડિયા ધાકધમકી વિના કામ કરવા માટે સ્વતંત્ર છે. તેમણે એવી પણ માંગ કરી હતી કે આ હત્યાઓની તાત્કાલિક, સંપૂર્ણ અને પારદર્શક તપાસ થવી જોઈએ.રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા પ્રકાશિત આ વર્ષના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં પાકિસ્તાન ૧૮૦ દેશોમાંથી બે સ્થાન નીચે ૧૫૨મા સ્થાને આવી ગયું છે. ઇન્ડેક્સ જણાવે છે કે પાકિસ્તાન પત્રકારો માટે વિશ્ર્વનો સૌથી ખતરનાક દેશોમાંનો એક છે, જ્યાં દર વર્ષે ત્રણથી ચાર હત્યાઓ થાય છે, જે મોટાભાગે ભ્રષ્ટાચાર અથવા તસ્કરીના મામલા સાથે જોડાયેલી હોય છે.