ઇસ્લામાબાદ, પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટથી ઘેરાયેલું છે અને જરૂરી વસ્તુઓની અછત છે. સ્થિતિ એવી છે કે લોકો લોટની ચોરી કરવા મજબૂર થઈ રહ્યા છે. હવે આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દુકાનદારે દુકાનમાંથી લોટ ચોરવા બદલ કિશોરીને બેરહેમીથી થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે આરોપી દુકાનદારની ધરપકડ કરી છે.
ઘટના પાકિસ્તાની પંજાબના મિયાં ચન્નુ વિસ્તારના બોરા ચોકની છે. જ્યાં એક દુકાને એક કિશોર તેની દુકાનમાંથી લોટની ચોરી કરતા ઝડપાયો હતો. આ પછી, દુકાનદારે કિશોરને એક થાંભલા સાથે બાંધી, તેને ઊંધો લટકાવી દીધો અને તેને ખૂબ માર માર્યો. આ દરમિયાન કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. સોશિયલ મીડિયા પર લોકો આને લઈને ગુસ્સે થયા હતા. લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ શરૂ કરી. આ પછી પોલીસ એક્શનમાં આવી અને આરોપી દુકાનદારની ધરપકડ કરી લીધી.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ભૂતકાળમાં લોટની ભારે અછત હતી. આ દરમિયાન લોટ માટે પાકિસ્તાનમાં વિવિધ સ્થળોએ લોકોની લાંબી ક્તારો જોવા મળી હતી. સ્થિતિ એવી હતી કે મફતના લોટ માટે થયેલી નાસભાગમાં ૨૦થી વધુ લોકોના મોત થયા હતા. વાસ્તવમાં, પાકિસ્તાનમાં પૂરતા પ્રમાણમાં ઘઉં ન મળવાને કારણે ૩૦-૪૦ ટકા મિલોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે દેશમાં લોટની ભારે અછત સર્જાઈ હતી.
પાકિસ્તાન આ દિવસોમાં મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. ખાદ્યપદાર્થોના ભાવ આસમાને છે અને સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહ્યા છે. આની સૌથી વધુ અસર પાકિસ્તાનની ગરીબ જનતા પર પડી છે. આ જ કારણ છે કે ત્યાંથી ખાદ્યચીજોની ચોરી કરવા બદલ લોકોને માર મારવામાં આવ્યો હોવાના ઘણા અહેવાલો છે.