પાકિસ્તાન ખુલ્લેઆમ ક્તાર સાથે આવ્યું, ભૂતપૂર્વ ભારતીય મરીન પર ઝેર ઓકયું

દોહા, ક્તારમાં ૮ ભૂતપૂર્વ ભારતીય મરીનને ફાંસીની સજાના વિવાદમાં હવે પાકિસ્તાન પણ કૂદી પડ્યું છે. ક્તારના સહાનુભૂતિ ધરાવતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે દાવો કર્યો હતો કે ક્તારની ઘટના જાસૂસીમાં ભારતની સંડોવણીનો નક્કર પુરાવો છે. તેને ખાડી દેશોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો અને આરોપ લગાવ્યો કે ભારત જાસૂસી કરી રહ્યું છે. તેમને કહ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી ભારતના જાસૂસી નેટવર્કનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. તેમને કુલભૂષણ જાધવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો જેની પાકિસ્તાન દ્વારા બળજબરીથી ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાની પ્રવક્તાએ કહ્યું કે, કુલભૂષણ જાધવની વર્ષ ૨૦૧૬માં ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનનો આરોપ છે કે કુલભૂષણ જાધવ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી છે અને જાસૂસી કરતા હતા. ભારતે સ્પષ્ટ કર્યું છે કે કુલભૂષણ જાધવનો પાકિસ્તાનમાં જાસૂસી સાથે કોઈ સંબંધ નથી. તેઓને ઈરાનની સરહદ નજીકથી બળજબરીથી ઉપાડવામાં આવ્યા હતા. આ પહેલા ક્તાર કોર્ટે ભારતીય નૌકાદળના ૮ પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા ફટકારી હતી. ક્તારે હજુ સુધી એ નથી જણાવ્યું કે આ ભારતીયોને શા માટે સજા કરવામાં આવી છે.

પાકિસ્તાની પ્રવક્તાએ કાશ્મીરને લઈને પણ ઝેર ઓક્યું. ભારત વિરુદ્ધ ઝેરીલા નિવેદન આપનાર પાકિસ્તાની પ્રવક્તા ઝહરા બલોચે પણ લાખો અફઘાન શરણાર્થીઓને દેશનિકાલ પર સ્પષ્ટતા આપવાનું શરૂ કર્યું. તેમણે દાવો કર્યો હતો કે જે અફઘાન નાગરિકો પાસે માન્ય દસ્તાવેજો નથી તેમને જ દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. અફઘાન લોકોને બળજબરીથી બહાર કાઢવાના તાલિબાનના આરોપ પર, પાકિસ્તાને કહ્યું કે ગૃહ મંત્રાલય તેની તપાસ કરી રહ્યું છે.

અગાઉ, તાલિબાને પણ પાકિસ્તાન સરકારને વર્ષોથી અહીં રહેતા લાખો અફઘાન શરણાર્થીઓ સાથે અમાનવીય વર્તન સામે ચેતવણી આપી હતી.ટીટીપી આતંકવાદીઓને લઈને તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ટીટીપીના વધતા હુમલાઓથી નિરાશ થઈને પાકિસ્તાને હવે લાખો અફઘાન શરણાર્થીઓને બળજબરીથી અફઘાનિસ્તાન મોકલવાનું શરૂ કરી દીધું છે. લગભગ બે લાખ અફઘાન પાકિસ્તાન છોડી ચૂક્યા છે. પાકિસ્તાન સરકારે તેમના ઘરો તોડી નાખ્યા અને તેમને દેશ છોડવા માટે મજબૂર કર્યા, જેની આખી દુનિયામાં ટીકા થઈ રહી છે.