
વોશિગ્ટન,કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત વિરુદ્ધ ‘નકારાત્મક પશ્ર્ચિમી ધારણા’ પર આકરા પ્રહારો કર્યા હતા. વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં બોલતા નાણામંત્રીએ ભારતના મુસ્લિમોની હાલત વિશે વાત કરી. તેમણે કહ્યું કે લઘુમતીઓ માટે રડતા પાકિસ્તાન કરતા પણ ભારતમાં મુસ્લિમો ખુશ અને સુરક્ષિત છે. પીટરસન ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ ઈવેન્ટમાં બોલતા સીતારમણે કહ્યું કે, ભારતમાં વિશ્ર્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી છે અને આ વસ્તી ઝડપથી વધી રહી છે. જો ભારતમાં મુસ્લિમો ખુશ નથી તો પછી પાકિસ્તાન કરતા વધુ વસ્તી કેમ ?
નિર્મલા સીતારમણે કહ્યું કે, પશ્ર્ચિમી મીડિયામાં કહેવામાં આવે છે કે રાજ્યના સમર્થનથી ભારતમાં મુસ્લિમોનું જીવન મુશ્કેલ બનાવવામાં આવે છે. પરંતુ આ બધું પાયાવિહોણું છે. નાણામંત્રીએ કહ્યું કે જો આ સ્થિતિ હશે તો ભારત વિશ્ર્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ કેવી રીતે હોત.
જ્યારે પીઆઇઆઇઇ પ્રમુખ એડમ એસ. પોસેન દ્વારા પશ્ર્ચિમી મીડિયા દ્વારા ભારતના મુસ્લિમ લઘુમતીઓ સામે હિંસાના અહેવાલો વિશે પૂછવામાં આવ્યું ત્યારે સીતારામને બેફામ જવાબ આપ્યો. નાણામંત્રીએ કહ્યું કે ૧૯૪૭માં આઝાદી બાદ પાકિસ્તાનથી વિપરીત ભારતમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. આ માત્ર એટલા માટે છે કારણ કે ભારતમાં દરેક પ્રકારના મુસ્લિમ પોતાનો વ્યવસાય કરે છે, તેમના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, ફેલોશિપ આપવામાં આવે છે.
નાણામંત્રીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં દરેક લઘુમતીની સંખ્યામાં ઘટી રહી છે. પોતાને ઇસ્લામિક દેશ તરીકે જાહેર કરવા છતાં ત્યાંના કેટલાક મુસ્લિમ સંપ્રદાયો પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેમનો નાશ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે અમારા પાડોશી દેશમાં દરેકને અસુરક્ષાની લાગણી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સીતારમણ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્ર્વ બેંકની બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન પહોંચી ગયા છે. તેઓ બીજી જી ૨૦ નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકની અધ્યક્ષતા પણ કરશે.