નવીદિલ્હી,
બિહારની સત્તાધારી પાર્ટી આરજેડીના નેતા અબ્દુલ બારી સિદ્દીકી તેમના એક નિવેદનને લઈને ઘેરાઈ ગયા છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, હું મારા બાળકોને કહું છું કે અહીંનું વાતાવરણ સારું નથી, તમે લોકો જીવી શકશો નહીં. તેથી જ વિદેશમાં સ્થાયી થાઓ અને ત્યાંની નાગરિક્તા લો. બિહાર બીજેપીના પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું, સિદ્દિકીનું નિવેદન ભારત વિરોધી છે. જો તેમને અહીં બીક લાગે તો ભારતમાં ઉપલબ્ધ સુવિધાઓ છોડીને પાકિસ્તાન જતા રહે. તેમને કોઈ રોકશે નહીં.
નિખિલ આનંદે કહ્યું કે, સિદ્દીકી લાલુ પ્રસાદ યાદવની નજીક છે. તેમનું નિવેદન આરજેડીની સંસ્કૃતિ અને મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ દર્શાવે છે. ભાજપ નેતાના નિવેદનને લઇને સિદ્દીકીએ કહ્યું કે, પાકિસ્તાન જતા રહો..તે આજકાલ સસ્તી ગાળો થઈ ગઈ છે. પાકિસ્તાન તમારા બાપ-દાદાનું હશે, અમારું નહીં. અમારા પિતા અને દાદા ભારતમાં છે, ભારતમાં રહ્યા છે અને અમે પણ અહીં જ રહીશું.
ગયા અઠવાડિયે એક કાર્યક્રમમાં સિદ્દીકીએ કહ્યું હતું કે, ’દેશમાં પ્રવર્તમાન વાતાવરણને સમજાવવા માટે હું મારું પોતાનું ઉદાહરણ આપવા માંગુ છું. મારો પુત્ર હાર્વર્ડ યુનિવસટીમાં અભ્યાસ કરે છે. પુત્રીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સની ડિગ્રી મેળવી છે. મેં તેમને કહ્યું કે, વિદેશમાં નોકરી શોધો. આ સિવાય જો શક્ય હોય તો ત્યાંની નાગરિક્તા લઈ લો. વધુમાં તેમણે કહ્યું કે, મેં બાળકોને કહ્યું કે, ભલે હું અહીં રહું છું. પરંતુ તમે લોકો દેશના વાતાવરણમાં રહી શકશો નહીં. અબ્દુલ બારી સિદ્દીકીનું આ નિવેદન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સિદ્દીકીના નિવેદનની એક વર્ગમાંથી ટીકા થઈ રહી છે. જો કે સિદ્દીકીના નિવેદનમાં મુસ્લિમ સમુદાય કે ભાજપ સરકાર વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. છતાં ઘણી જગ્યાએ તેમના નિવેદનને મુસ્લિમ સમુદાય સાથે જોડવામાં આવી રહ્યું છે.