
લંડન
ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએનએસસીમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. બ્રિટનમાં બુધવારે યોજાયેલી બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપ્યો છે. આ અંગે યુએનમાં ભારતના મિશન કાઉન્સેલર આશિષ શર્માએ કહ્યું- લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો હતો અને હંમેશા રહેશે. પાકિસ્તાન આ અંગે શું વિચારે છે કે શું ઈચ્છે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.બ્રિટનમાં યુએનએસસીના સભ્યો બાળકો અને સશ સંઘર્ષ પર ચર્ચામાં સામેલ હતા. આ દરમિયાન પાકિસ્તાનના રાજદ્વારી મુનીર અકરમે પોતાના નિવેદનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. અકરમે કહ્યું- બાળકો અને સશ સંઘર્ષ પર યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના નવા રિપોર્ટમાં ભારતનો ઉલ્લેખ નથી, જે એક ભૂલ છે.
અકરમના આ નિવેદનનો જવાબ આપતા ભારતીય રાજદ્વારી આશિષ શર્માએ કહ્યું કે યુએનએસસીમાં એક પ્રતિનિધિમંડળે મારા દેશ વિરુદ્ધ ઝેર ઓક્યું છે, જે રાજકીય રીતે પ્રેરિત છે. અમે તેને સ્વીકારીશું નહીં. જેઓ પોતે કટ્ટરતામાં ડૂબેલા છે તેઓ ભારતના સમાજ અને અહીં વસતા વિવિધ સમુદાયના લોકોની એક્તા સમજી શક્તા નથી. અમે આવા નિવેદનોની સખત નિંદા કરીએ છીએ. આવા નિવેદનોથી પાકિસ્તાન પોતાના દેશમાં બાળકો વિરુદ્ધ સતત થઈ રહેલા ગુનાઓથી કાઉન્સિલનું યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ સિવાય શર્માએ વૈશ્ર્વિક આતંકવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં બાળકોની સંડોવણી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું- આતંકવાદનો સામનો કરવા અને બાળકોની સુરક્ષા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે. આ માટે તમામ સભ્ય દેશોએ આતંકવાદીઓ અને તેમને ફંડિંગ કરનારા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડશે. તેમણે બાળકો સામે જઘન્ય અપરાધ કરનારાઓ પ્રત્યે દયા ન રાખવાની અપીલ કરી હતી.
યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ચિલ્ડ્રન એન્ડ આર્મ્ડ કોન્લિક્ટ ૨૦૨૩ રિપોર્ટમાંથી ભારતનું નામ હટાવી દીધું છે. આ માટે, તેમણે ભારતમાં બાળકોની સુરક્ષા માટે લેવામાં આવી રહેલા વધુ સારા પગલાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું- ભારત સરકાર બાળકો માટે સારું કામ કરી રહી છે અને અમે તેમના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ.
આ પહેલા ૪ જુલાઈના રોજ પીએમ મોદીએ એસસીઓ સમિટમાં પણ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે કેટલાક દેશો આતંકવાદીઓને આશ્રય આપે છે. આ ક્ષેત્રીય શાંતિ માટે મોટો ખતરો છે. આતંકવાદ પર બેવડા માપદંડ માટે કોઈ જગ્યા નથી. આવી બાબતોમાં બેવડા ધોરણો રાખવા માંગતા નથી. આપણે સાથે મળીને આતંકવાદ સામે લડવું પડશે.