પાકિસ્તાન ક્રિકેટ ટીમે તેમને છાજે તેવું ક્રિકેટ રમવું જોઈએ: ગિલેસ્પી

લાહોર, પાકિસ્તાન ક્રિકેટના નવા ટેસ્ટ કોચ જેસન ગિલેસ્પીએ સોમવારે પાક. ટીમને આગળ વધવા માટે સફળતાનો મંત્ર જણાવતા કહ્યું કે, તમે જે નથી તેવા બનવાનો પ્રયાસ ના કરો. હંમેશા તમે જેવા છો તેવા જ રહેવું જોઈએ. કોઈ એક પદ્ધતિને અનુરૂપ થવા તમારે રમતમાં બદલાવ કરવો જોઈએ નહીં. પાકિસ્તાન ક્રિકેટ ટીમે તેમને છાજે તેવું ક્રિકેટ રમવું જોઈએ. ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાને સકારાત્મક અને આક્રમક અભિગમ અપનાવવો જોઈએ તેમ ગિલેસ્પીએ જણાવ્યું હતું.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર ગિલેસ્પીને ટેસ્ટ ટીમના કોચ નિયુક્ત કર્યા હતા. આ ઉપરાંત સિમિત ઓવર માટેની પાક. ટીમના હેડ કોચ તરીકે ગેરી કર્સ્ટનની નિમણૂક કરવામાં આવી હતી. ગેરી કર્સ્ટન ૨૦૧૧માં ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમના મુખ્ય કોચ હતા. ગિલેસ્પીના માર્ગદર્શનમાં યોર્કશાર કાઉન્ટીએ ૨૦૧૪ અને ૨૦૧૫માં કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઈટલ જીત્યા હતા. ૪૯ વર્ષીય પૂર્વ ઓસી. બોલરે વધુમાં ઉમેર્યું કે, હું પાકિસ્તાન ક્રિકેટ ટીમ પાસેથી તેમની વાસ્તવિક રમત રમવાની અપેક્ષા રાખું છું. તેમને છાજે તેવું ક્રિકેટ ટીમે રમવું જોઈએ તે મહત્વનું છે. મારી ફિલોસોફી છે કે- તમે જેવા નથી તેવા બનવાનો પ્રયત્ન ના કરો. ગિલેસ્પીએ પીસીબી સાથે પોડકાસ્ટમાં કેટલીક બાબતો પર ચર્ચા કરી હતી. હું ટીમને જણાવીશ કે પાકિસ્તાન ક્રિકેટ ટીમે સકારાત્મક, આક્રમક અને મનોરંજક અંદાજ અપનાવવો જોઈએ. ચહેરા પર સ્મિત સાથે રમવું જોઈએ અને દર્શકોને મનોરંજન પુરું પાડવું જોઈએ.

ક્યારેક એવો સમય આવશે કે તમારે તમારી અંદરની લાગણીને બહાર ખેંચી લાવવી પડશે. ટેસ્ટ ક્રિકેટ આ જ છે. ક્રિકેટની આ ફોરમેટ તમારી કુશળતા, માનસિક ક્ષમતા અને ધીરજની ક્સોટી કરનારી છે. કોઈ વખત આક્રમક વલણ અપનાવવું પડશે તો ક્યારેક હરીફ ટીમની ધીરજની ક્સોટી કરવી પડશે.

જેસન ગિલેસ્પીએ ઓસ્ટ્રેલિયા માટે ૭૧ ટેસ્ટ અને ૯૭ વન-ડે રમી છે જેમાં અનુક્રમે ૨૫૯ અને ૧૪૨ વિકેટ તેના નામે છે. પાક. ટેસ્ટ ટીમના કોચના મતે પાકિસ્તાનની ટીમમાં પ્રતિભાશાળી ખેલાડીઓ છે પરંતુ તેમણે સાતત્યપૂર્વક દેખાવ કરવો પડશે. જો તમે સાતત્ય સાથે રમો છો તો સ્કોરબોર્ડ આપોઆપ વધતો રહેશે અને આપણે જીત પ્રાપ્ત કરી શકીશું. પાકિસ્તાનની સામે અગાઉ રમવાની તક મળી હોવાથી હું ચોક્કસ કહી શકું છું કે ટીમમાં કેટલાક કુશળ ખેલાડીઓ છે અને તેમનામાં સારી પ્રતિભા છે. તમામ સ્ત્રોત સાથેની ટેસ્ટ ટીમ મળવી તે મારું સૌભાગ્ય છે. આ સાથે પડકારો અને અપેક્ષાઓને પણ હું સારી રીતે સમજું છું તેમ ગિલેસ્પીએ જણાવ્યું હતું.