પાકિસ્તાન ક્રિકેટમાં હંગામો અટકવાનું નામ નથી લેતો. હવે પીસીબીએ વિદેશી કોચને હાંકી કાઢ્યા

મુંબઇ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાલમાં એક્શન મોડમાં છે. વર્લ્ડ કપ સહિત તાજેતરના સમયમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ બોર્ડે તેમના વિદેશી કોચ મિકી આર્થર, ગ્રાન્ટ બ્રેડબર્ન અને એન્ડ્રયુ પુટિકથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પીસીબીના અધ્યક્ષ ઝકા અશરફ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર સલમાન નસીર ત્રણેય સાથે અંતિમ કરાર પર વાટાઘાટ કરશે.ત્રણેય, જેઓ એશિયા કપ અને વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટનો ભાગ હતા, તેમણે ભારતથી લાહોર પરત ફર્યા બાદ રજા લેવાનું નક્કી કર્યું હતું અને તેમને જાણ કરવામાં આવી હતી કે રાષ્ટ્રીય ટીમ સાથે તેમની સેવાઓની હવે જરૂર નથી.

ત્રણેયને કહેવામાં આવ્યું કે પીસીબીએ નિર્ણય કર્યો છે કે તેઓ નેશનલ ક્રિકેટ એકેડમીમાં કામ કરશે કારણ કે તેમણે મોહમ્મદ હફીઝને પાકિસ્તાન ટીમના ડિરેક્ટર અને નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. પરંતુ પીસીબીને જાણવા મળ્યું કે આ ત્રણેયના કોન્ટ્રાક્ટમાં એવી કોઈ કલમ નથી કે જેના કારણે તેમને NCAમાં  કાયમી ધોરણે કામ કરવાની ફરજ પડી હોય કારણ કે તેઓએ પાકિસ્તાન ટીમ સાથે કામ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.