મુંબઇ, ભારતમાં યોજાયેલ વનડે વિશ્ર્વ કપ ૨૦૨૩ બાદથી પાકિસ્તાન ક્રિકેટમાં ખૂબ મોટી હલચલ જોવા મળી હતી. પહેલા કોચ અને ઘણા અધિકારીઓએ રાજીનામું આપ્યું. આ પછી બાબર આઝમે કેપ્ટનશિપ છોડી દીધી. ત્યારબાદ શાહીન શાહ આફ્રિદીને ટી ૨૦માં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે ટેસ્ટમાં શાન મસૂદને કમાન સોંપવામાં આવી હતી. પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાબર આઝમને ફરીથી પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
બાબર ટી ૨૦ અને વનડે ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કમાન સંભાળશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ પસંદગી સમિતિની ભલામણ બાદ બાબરને આ જવાબદારી સોંપી છે. શાન મસૂદ ટેસ્ટ ટીમનો કેપ્ટન રહેશે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વનડે વિશ્ર્વ કપ ૨૦૨૩માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તે ૯માંથી માત્ર ૪ મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. બાબર પોતે પણ બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો. ઘણા દિગ્ગજો અને ચાહકોએ તેની આકરી ટીકા કરી હતી. આવી સ્થિતિમાં બાબરે ૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજ પાકિસ્તાની ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. જો કે હવે પીસીબીના નવા અયક્ષે તેને ફરીથી કેપ્ટનશિપ સોંપવાનો નિર્ણય કર્યો છે. બાબર આઝમે અત્યાર સુધી ૧૩૪ આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન ટીમે ૭૮ મેચ જીતી છે. જ્યારે ૪૪ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.વનડે વિશ્ર્વ કપ ૧૯૯૨ના વિજેતા ઈમરાન ખાન પછી બાબર બીજો સૌથી સફળ પાકિસ્તાની કેપ્ટન છે.