પાકિસ્તાન છોડો અથવા આર્મી એક્ટનો સામનો કરો, પાકિસ્તાન સરકારે ઈમરાનને બે વિકલ્પ આપ્યા

  • હાલમાં ઈમરાન પોતાની પાર્ટીના નજીકના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે અને વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે.

ઇસ્લામાબાદ,પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સામે હવે માત્ર બે જ વિકલ્પ બચ્યા છે. પ્રથમ, તેણે હાલ પૂરતું પાકિસ્તાનનું રાજકારણ છોડીને ચુપચાપ લંડન જવું જોઈએ અથવા બીજું, તેણે પાકિસ્તાનમાં રહીને આર્મી એક્ટ હેઠળ બનેલા કેસનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. જો તેઓ બીજો વિકલ્પ પસંદ કરે તો તેમને જેલ પણ જવું પડી શકે છે. શાહબાઝ શરીફ સરકારે ઈમરાન ખાનને આ બંને વિકલ્પો ઓફર કર્યા છે. હાલમાં ઈમરાન પોતાની પાર્ટીના નજીકના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે અને આ વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે.

પાકિસ્તાનની લાહોર પોલીસે જમાન પાર્ક સ્થિત ઈમરાનના ઘરને ચારે બાજુથી ઘેરી લીધું છે. આરોપ છે કે તેણે ઘરમાં ૩૦થી ૪૦ આતંકીઓ છુપાયા છે. પંજાબ પોલીસે આ આતંકવાદીઓને સોંપવા માટે તેમને ૨૪ કલાકનો સમય આપ્યો છે. આવી સ્થિતિમાં પોલીસ ગમે ત્યારે ઓપરેશન જમાન પાર્કને અંજામ આપી શકે તેવી ચર્ચા છે.

પાકિસ્તાન સરકારની સાથે સાથે ત્યાંની સેના પણ આ સમયે ઈમરાન ખાન અને તેમના સમર્થકોથી ખૂબ નારાજ છે. તાજેતરમાં ઈમરાનની ધરપકડ બાદ તેના સમર્થકોએ સમગ્ર પાકિસ્તાનમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરે કહ્યું હતું કે ૯ મેના રોજ દેશમાં જે હિંસા થઈ હતી તેને ફરીથી થવા દેવામાં આવશે નહીં. પાકિસ્તાનમાં સેનાનું અપમાન કરનારાઓને સજા મળશે.

જણાવી દઈએ કે ઈમરાન ખાન સેનાના બળ પર જ રાજકારણમાં આવ્યા હતા. સૈન્યના બળ પર તેણે ક્રિકેટથી રાજકારણ સુધીની સફર કરી. પરંતુ હવે સ્થિતિ એવી છે કે સેના અને ઈમરાન ખાન બંને સામસામે છે. ઈમરાન ખાને ૨૨ માર્ચે પહેલા જ નિવેદન આપ્યું હતું કે તેને કેવી રીતે મોતને ઘાટ ઉતારવામાં આવશે. ઈમરાને કહ્યું હતું કે મને મારવા માટે બે ટુકડીઓ બનાવવામાં આવી છે. પ્રથમ ઈસ્લામાબાદ આઈજી અને બીજા પંજાબ આઈજીએ ટુકડી તૈયાર કરી છે. તેઓનું પ્લાનિંગ છે કે આ લોકો મારા ઘરની અંદર આવશે અને ચારથી પાંચ પોલીસકર્મીઓ પર ગોળીબાર કરશે. ત્યારપછી તેઓ મને ભુટ્ટો સ્ટાઈલમાં અંધાધૂંધ ગોળીબાર કરીને મારી નાખશે.

પાકિસ્તાની સેનાએ ઈમરાન ખાનને ૩૦ વર્ષ સુધી રાજકારણની તાલીમ આપી હતી. એક જમાનામાં પાકિસ્તાની સૈન્યને અપશબ્દો બોલવા એ બહુ મોટી વાત હતી. પરંતુ હવે ઈમરાન ખાને ખુલ્લેઆમ સેના પર આંગળી ચીંધી છે. કહેવાય છે કે જ્યારે ઈમરાન ખાનના જનરલ બાજવાનો સાથ ન મળ્યો ત્યારે તેણે ન્યાયતંત્ર સાથે મળીને સેના સાથે બગાડવાનું શરૂ કરી દીધુ હતું.

ઈમરાન ખુલ્લેઆમ કહેતો રહ્યો કે જનરલ ફૈઝલ નસીરે તેને બે વખત મારવાનો પ્રયાસ કર્યો હતો. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે પાકિસ્તાનની સેના સમજી શક્તી નથી કે ઈમરાનને કેવી રીતે કાબૂમાં રાખવો. હવે જનતા પણ ખુલ્લેઆમ બોલવા લાગી છે કે દેશની દુર્દશાનું કારણ સેના છે. સ્થિતિ એવી બની ગઈ છે કે નવા આર્મી ચીફને સેનાની છબી સુધારવાનું કામ કરવું પડશે. તે પૈસા આપીને તેના સમર્થનમાં રેલીઓ કાઢી રહ્યો છે. પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં સેના સમથત આવી રેલીઓ થઈ છે. પરંતુ સેનાએ હજુ ઇમરાન ખાન સાથે ડીલ કરવાની બાકી છે.