પાકિસ્તાન ભાગી ગયેલા ૩ આતંકવાદીઓની કરોડોની સંપત્તિ જપ્ત,બારામુલ્લાના રહેવાસી છે.

શ્રીનગર, આતંકવાદ પર મજબૂત હુમલામાં, પોલીસે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં છુપાયેલા ત્રણ આતંકવાદીઓ પાસેથી કરોડો રૂપિયાની ૩૦ કનાલ ૧૫ મરલા જમીન જપ્ત કરી છે. ત્રણેય ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના રહેવાસી છે. ઉરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસ દરમિયાન, પોલીસને આ મિલક્તો ગુનેગારો સાથે સંકળાયેલી હોવાનું જણાયું હતું. આ પછી ઉરી સબ જજે પ્રોપર્ટી જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. જે આતંકવાદીઓની મિલક્તો જપ્ત કરવામાં આવી છે તેમાં મોહમ્મદ લતીફ નિવાસી સુલતાંદકી (૧૮ કનાલ અને ૬ મરલા), સદર દીન નિવાસી મડિયાન (૯ મરલા) અને અઝીઝ દીન નિવાસી સિંગતુંગ ગૌહાલન (૧૨ કનાલ)નો સમાવેશ થાય છે. ત્રણેયને અગાઉ ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. તેઓ લાંબા સમય પહેલા કાશ્મીરમાંથી ભાગી ગયા છે અને પીઓજેકેમાં આશ્રય લીધો છે, અને ત્યાંથી આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં સક્રિય છે.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ સતત આતંકવાદ પર હુમલા કરી રહી છે. વર્ષ ૨૦૨૩ દરમિયાન પોલીસ અને અન્ય એજન્સીઓએ આતંકવાદીઓ અને અલગતાવાદીઓની ૧૭૦ કરોડ રૂપિયાની ૯૯ મિલક્તો જપ્ત કરી હતી. તેમાં હુરયતની શ્રીનગર ઓફિસ અને ટીઆરએફ આતંકવાદી બાસિત અહેમદ રેશીની ૯.૨૫ મરલા ખેતીની જમીન પણ સામેલ છે. રેશી કાયદેસર રીતે પાકિસ્તાન ભાગી ગયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.