પાકિસ્તાન બાદ મુસ્લિમ દેશ ઇજીપ્તમાં પણ આર્થિક સંકટ, બે ટાઈમનું ભોજન મળવું પણ મુશ્કેલ બન્યું

કાહિરા,

પાકિસ્તાન બાદ હવે બીજા એક દેશ ઈજીપ્તની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે ગરીબોને બે ટાઈમનું અનાજ ખરીદવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. ખાદ્ય આયાત પર નિર્ભર આ દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીએ લગભગ ૧૦ કરોડ લોકોને આર્થિક સંકટમાં મૂકી દીધા છે. ન્યૂઝ વેબસાઈટ બિઝનેસ રેકોર્ડર અનુસાર, સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મોટા સુપર માર્કેટમાં રેશનિંગ સાઈન બોર્ડ ગ્રાહકોને ચેતવણી આપી રહ્યા છે કે તેઓ માત્ર ત્રણ થેલી ચોખા, બે બોટલ દૂધ અને એક બોટલ તેલ ખરીદી શકે છે.

કાહિરાની એક બેકરીમાં ૩૪ વર્ષીય રીહૈબે કહ્યું હતુ કે, હું જે બ્રેડ એક ઇજિપ્તીયન પાઉન્ડમાં ખરીદતી હતી તે હવે ત્રણ ઇજિપ્તીયન પાઉન્ડમાં ખરીદવી પડી રહી છે. તેણીએ કહ્યું, મારા પતિ મહિનામાં ૬,૦૦૦ (ઇજિપ્તીયન) પાઉન્ડ કમાય છે. જે આખો મહિનો ચાલતો હતો. પરંતુ હવે તે માત્ર ૧૦ દિવસમાં સમાપ્ત થઈ જાય છે.રેડાના એક ૫૫ વર્ષીય સિવિલ સર્વન્ટ અને હોસ્પિટલના ચોકીદાર કે જેઓ તેના ૧૩ વર્ષથી પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે, તેમણે કહ્યું કે ફ્રોઝન મીટની કિંમત બમણીથી વધુ થઈ ગઈ છે અને હવે બે પગાર સાથે પણ ખાદ્ય ચીજો ખરીદવી મુશ્કેલ પડી રહી છે.

ગયા ફેબ્રુઆરી મહિનામાં યુક્રેન પર રશિયાના આક્રમણથી ઇજિપ્તની અર્થવ્યવસ્થાને ભારે ફટકો પડ્યો હતો, જેણે વૈશ્ર્વિક રોકાણકારોને અસ્થિર કર્યા હતા અને તેમને ઉત્તર આફ્રિકન દેશમાંથી મોટા રોકાણો ખેંચવા માટે પ્રેરિત કર્યા હતા. યુદ્ધના કારણે ઘઉંના ભાવમાં તીવ્ર વધારો થયો, ઇજિપ્તને ભારે અસર થઈ, જે વિશ્ર્વના સૌથી મોટા અનાજ આયાતકારોમાંના એક છે અને તેના વિદેશી હૂંડિયામણના ભંડાર પર દબાણ લાવી રહ્યું છે. નવેમ્બરમાં સત્તાવાર ફુગાવો ૧૮ ટકા સુધી પહોંચવાની સાથે વૈશ્ર્વિક ઊર્જાના ભાવમાં વધારો થવાને કારણે ખર્ચમાં વધુ વધારો થયો છે.

આ મુશ્કેલ સમયમાં ઈજીપ્તની સરકારી એજન્સીએ જનતાને એવી સલાહ આપી છે કે લોકો ગુસ્સે થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર સરકારની આકરી ટીકા કરી રહ્યા છે. ઇજિપ્તની સરકારી એજન્સીએ ખાદ્યચીજોના વિકલ્પમાં સસ્તા પ્રોટીન સ્ત્રોત ની જેવા કે ચીકન ફીટ ખાવાની સલાહ આપી તેમજ એમ પણ કહ્યું કે સસ્તા ચીકન ફીટ શરીર અને બજેટ બન્ને માટે સારા છે. ત્યારે આ મુદ્દે લોકો ભડક્યા છે અને સરકારી એજન્સીનો વિરોધ કરી રહ્યાં છે.