પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા-આફ્રિકાના ક્રિકેટરોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની શુભકામના પાઠવી

રામ મંદિરની ખ્યાતિ માત્ર ભારત પુરતી જ સીમિત ન હતી પરંતુ વિદેશોમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે પણ રામ મંદિરને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ સિવાય પાકિસ્તાન અને આફ્રિકાના હિંદુ ક્રિકેટરોએ ખાસ પોસ્ટ શેર કરી શુભકામના પાઠવી હતી.

ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ: 22 જાન્યુઆરી, સોમવારના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ક્રિકેટ જગતની હસ્તીઓ પણ હાજર રહી હતી. જે ક્રિકેટરો હાજર ન રહી શક્યા તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શુભકામના પાઠવી હતી. ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નરે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પોતાની ભાવના વ્યક્ત કરી હતી.

જાડેજા-કુંબલે-પ્રસાદ હાજર રહ્યા: આ કાર્યક્રમમાં વર્તમાન ટીમના સ્ટાર ગુજ્જુ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા તેમના પત્ની સાથે અયોધ્યા પહોંચ્યા હતા. આ સિવાય ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને કોચ અનિલ કુંબલે અને વેંકટેશ પ્રસાદ અયોધ્યામાં હાજર રહ્યા હતા.

ડેવિડ વોર્નરે કરી ખાસ પોસ્ટ: તાજેતરમાં જ ટેસ્ટ અને ODI ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ઓસ્ટ્રેલિયાના ડાબોડી બેટ્સમેન ડેવિડ વોર્નરે રામ મંદિરને લઈને એક પોસ્ટ કરી છે. ભગવાન રામનો ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું, ‘જય શ્રી રામ ઈન્ડિયા.’ ભારત વોર્નરના દિલની ખૂબ નજીક છે. તે સતત ભારતીય ફિલ્મો વિશે પોસ્ટ કરે છે અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરે છે.

કેશવ મહારાજે વીડિયો પોસ્ટ કર્યો: વોર્નર પહેલાં, દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​કેશવ મહારાજે રવિવારે તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે રામ મંદિરને લઈને દક્ષિણ આફ્રિકામાં હાલના ભારતીય સમુદાયને અભિનંદન આપ્યા હતા.

પાકિસ્તાની ક્રિકેટરે શેર કરી ફોટો: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના હિન્દુ ક્રિકેટર અને પૂર્વ સ્ટાર સ્પિનર દાનિશ કનેરિયાએ પણ સોશિયલ મીડિયા પર રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તસ્વી શેર કરી હતી અને તમામને શુભકામના પાઠવી હતી.