પાકિસ્તાન અને તેના નાગરિકોથી સાવધ રહેવાની જરૂર, નોર્વે પોલીસે પાકિસ્તાનને દેશ માટે ખતરો ગણાવ્યુ

નોર્વે, પાકિસ્તાન ભારતમાં તો અશાંતિ ફેલાવવા માટે છાશવારે પ્રયાસો કરતુ હોય છે પણ ૫૦૦૦ કિલોમીટર દુર આવેલા નોર્વેને પણ પાકિસ્તાન ખતરનાક દેશ લાગી રહ્યો છે.

નોર્વેની પોલીસે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, નોર્વેને પાકિસ્તાનથી ખતરો છે.આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાન ગેરકાયદે રીતે નોર્વેની સંવેદનશીલ ટેકનોલોજી ચોરી રહ્યુ છે. દેશમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાની લોકોથી સતર્ક રહેવાની, તેમની તપાસ કરવાની અને તેમના પર સતત નજર રાખવાની જરૂર છે.

નોર્વેને પાકિસ્તાનથી ખતરો કેમ લાગી રહ્યો છે તે સમજવાની પણ જરૂર છે.પાકિસ્તાનમાંથી દર વર્ષે હજારો લોકો ગેરકાયદેસર રીતે અને કાયદેસર રીતે પોતાના વિઝા થકી યુરોપ જાય છે. ગેરકાયદેસર રીતે યુરોપમાં ઘૂસણખોરી કરનારા પાકિસ્તાનીઓ અફઘાનિસ્તાન ઈરાન અને તુર્કીના રસ્તે યુરોપમાં પ્રવેશી જાય છે.નોર્વે પણ યુરોપમાં જ આવેલુ છે. આ પૈકીના ઘણા નોર્વેમાં પ્રવેશી જતા હોય છે.

બીજી તરફ નોર્વે ટેકનોલોજી, રિસર્ચ ની દ્રષ્ટિએ સમૃદ્ધ છે. નોર્વેની સંસ્થાઓ પાસે રહેલી ટેકનોલોજી આધુનિક હથિયારો બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાતી હોય છે. નોર્વે પાસે લાંબો દરિયા કિનારો હોવાથી તેને લગતી ટેકનોલોજી પણ નોર્વે પાસે છે.પોલીસે પોતાના રિપ્રોટમાં કહ્યુ છે કે, નોર્વેની શિક્ષણ સંસ્થાઓમાં પાકિસ્તાન પોતાના વિદ્યાર્થીઓને અને સંશોધકોને મોકલીને ટેકનોલોજી તફડાવી શકે છે.નોર્વેના ઉદ્યોગ પાસેની ટેકનોલોજી મેળવવા માટે પાકિસ્તાન નિયમોનુ ઉલ્લંઘન કરી શકે છે.

નોર્વે પોલીસ દ્વારા દેશની સુરક્ષાનુ મુલ્યાંકન કરવા માટે દર વર્ષે પહેલા ક્વાર્ટરમાં આ પ્રકારનો રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય છે. બાકીના બે રિપોર્ટનુ પ્રકાશન નોર્વેની રાષ્ટ્રીય જાસૂસી સંસ્થા તેમજ સિક્યુરિટી એજન્સી કરતી હોય છે.