ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ફરી એકવાર કાશ્મીર મુદ્દે રાગ આલાપતા જોવા મળ્યા છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન ફોરમમાં બોલતા બિલાવલે કહ્યું કે જ્યાં સુધી કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ ન જાય ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિ થઈ શકે નહીં. પાકિસ્તાની વિદેશ મંત્રી ફોરમના ઉદ્ઘાટન સત્રમાં બોલી રહ્યા હતા.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક ઠરાવ અપનાવ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરના લોકોને સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ લોકમત દ્વારા તેમના આત્મનિર્ણયના અધિકારનો ઉપયોગ કરવાની તક મળવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, પરંતુ ભારત યુએનના નિર્ણયને લાગુ કરવાથી દૂર રહ્યો અને છેતરપિંડી અને બળનો આશરો લીધો.
બિલાવલે કહ્યું કે પાકિસ્તાન અને કાશ્મીર એક જ છે. બંને ભૂગોળ, આસ્થા અને સંસ્કૃતિ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. પાકિસ્તાન કાશ્મીરના લોકોને પોતાનું સમર્થન આપવાનું ચાલુ રાખશે. થોડા દિવસો પહેલા બિલાવલ ભુટ્ટોએ કાશ્મીર મુદ્દે હાર સ્વીકારી હતી. બિલાવલે સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દાને યોગ્ય રીતે ઉઠાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ઈસ્લામાબાદ કાશ્મીરને યુએનના એજન્ડાના કેન્દ્રમાં લાવવામાં અસમર્થ રહ્યું છે અને ભારતની કૂટનીતિ તેના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સફળ રહી છે.