ઇસ્લામાબાદ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની તોરખામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. બંને દેશો તરફથી ભારે ગોળીબાર બાદ તોરખમ બોર્ડર ટર્મિનલને કોઈપણ પ્રકારની અવરજવર માટે બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની અધિકારીએ કહ્યું કે, સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૩માં પણ બંને દેશો વચ્ચે તોરખમ બોર્ડર બંધ કરવામાં આવી હતી.
જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યું ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય રહ્યા નથી. હકીક્તમાં ગત વર્ષે એપ્રિલમાં પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનારમાં એરસ્ટ્રાઈક કરીને તાલિબાનના ૩૬ લોકોને માર્યા હતા. જો કે પાકિસ્તાને એરસ્ટ્રાઈકની વાતને ફગાવી દીધી હતી.
પાકિસ્તાનનો દાવો છે કે અફઘાનિસ્તાનના આતંકવાદીઓ તેની સરહદ પાર કરીને આતંકી હુમલાને અંજામ આપી રહ્યા છે. તો તાલિબાનનું કહેવું છે કે, ગત વર્ષે ઓગસ્ટમાં સત્તા સંભાળ્યા પછી એના પર અંકુશ આવી ગયો છે.
અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા બાદ તાલિબાને કાબુલ સ્થિત પાકિસ્તાની રાજદૂતને બોલાવીને આવા હુમલા તાત્કાલિક બંધ કરાવવા કહ્યું હતું. પાકિસ્તાની રાજદૂતને બોલાવ્યા બાદ અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુટ્ટકીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે પાકિસ્તાની રાજદૂતને ખોસ્ત અને કુનારમાં સૈન્ય કાર્યવાહી તાત્કાલિક રોકવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડે છે.