ગુજરાત એટીએસએ ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અગાઉ આ પ્રકારે હનીટ્રેપમાં ફસાઈને અનેક લોકો પાકિસ્તાનના એજન્ટોને આ પ્રકારની માહિતી આપતા હતા અને ઘણી વખત કેટલાક રૂપિયાની લાલચમાં પણ મહત્ત્વની માહિતી ત્યાં પહોંચતી હતી. આ વખતે પકડાયેલો આરોપી ઓખા પાસે રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. આ સમગ્ર માહિતી એટીએસને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાની સાહિમા નામની મહિલા એજન્ટે સોશિયલ મીડિયા પર દિેનેશ સાથે સંપર્ક કરી સંવેદનશીલ માહિતી મેળવી હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનની મહિલા એજન્ટ કોસ્ટગાર્ડની શીપની માહિતી આપવા બદલ દરરોજના દિનેશને 200 રૂપિયા આપતી હોવાનું પણ સામે આવ્યું છે.
ગુજરાત એટીએસના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણેક વર્ષથી ઓખા જેટી પર કોસ્ટગાર્ડની બોટનું રીપેરીંગ કામ કરતા દિનેશનો આજથી સાત મહિના પહેલા ફેસબુક પર સાહિમા નામ ધરાવતી એક પ્રોફાઈલના સંપર્કમાં આવ્યો હતો. પોતે એક મહિલા હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી આ સાહિમા ફેસબુક પ્રોફાઈલધારકે દિપેશ ગોહિલ સાથે વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કર્યો હતો.
દરમિયાન ઉપરોક્ત સાહિમાએ દિપેશ ગોહેલને તેના કામ વિષે પૂછતા તેને ઓખા પોર્ટ ખાતે ડિફેન્સની બોટોમાં વેલ્ડીંગ અને ઈલેક્રટ્રીક કામ કરતો હોવાનું જણાવેલ. ત્યારબાદ સાહિમાએ તેને જણાવેલ કે, ઓખા પોર્ટ પર કોસ્ટગાર્ડની જે કોઈ શીપ ઉભી હોય તેના નામ તથા નંબરની માહિતી તેને આપવી તેના બદલામાં તે તેને રોજના રૂ. 200 આપશે. જેથી દિપેશ ગોહેલે સાહિમાને વોટસએપના માધ્યમથી પૈસાની લાલચમાં દરરોજ ઓખા જેટી પર જઈ ત્યાં હાજર બોટોના નામ અને નંબરની તથા પૈસા મેળવવા પોતાના મિત્રોના યુપીઆઈ લીંક્ડ બેંક ખાતામાં છેલ્લા સાત આઠ મહિના દરમિયાન રૂ. 42 હજાર જેટલા જમા કરાવ્યા હતા.
દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજાં કેટલાંક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્ત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા. આ સમગ્ર મામલે હવે પોલીસે દિનેશ જ્યાં નોકરી કરતો હતો એ કંપનીના કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને તેની સાથે સંપર્કમાં હોય તેની પણ તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની માફક પોરબંદરમાંથી પણ કોસ્ટગાર્ડની જાસૂસી કરતા એક શખ્સને એટીએસ દ્વારા એક મહિના પહેલાં ઝડપી પાડવામાં આવ્યો હતો. એક મહિના પહેલાં ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે પોરબંદરનો એક શખસ કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી કે જાસૂસી સંસ્થા ISIના અધિકારી કે એજન્ટના સંપર્કમાં છે. આ શખસ પોરબંદર કોસ્ટગાર્ડની કેટલીક માહિતી લીક કરીને પાકિસ્તાન પહોંચાડે છે. એને લઇને ગુજરાત ATSની ટીમે પંકજ કોટિયા નામના શંકાસ્પદ પર વોચ શરૂ કરી હતી. ત્યાર બાદ પોલીસે પંકજની અટકાયત કરી હતી. ગુજરાત ATSએ આરોપી પંકજની અટકાયત બાદ પૂછપરછ હાથ ધરતાં તે પોરબંદર કોસ્ટડગાર્ડ જેટી તથા જેટી પરની ભારતીય કોસ્ટગાર્ડની બોટોની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન મોકલી આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ એટીએસ દ્વારા તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.