
ગાંધીનગર,ગાંધીનગર ઈન્ફોસિટી ખાતે ગઈકાલે રાત્રે પૈસાની લેતીદેતી વચ્ચે બે જુથ વચ્ચે ધિંગાણું ખેલાયુ હતું. એ દરમ્યાન એક શખ્સે પિસ્તોલ જાહેરમાં કાઢીને સામે વાળા જુથ સામે તાક્તા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવના પગલે ઈન્ફોસિટી પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરગાસણનાં સ્વાગત એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં બિનવારસી કારમાંથી ચાર હથિયારો અને ૨૩૬ કારતૂસ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. હજી પોલીસ ઉક્ત ગુનાની તપાસમાં લાગી છે. ત્યારે ગઈકાલે રાત્રે ઈન્ફોસિટી ખાતે પૈસાની લેતીદેતીમાં પિસ્તોલ તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. ગઈકાલે રાતના આઠેક વાગ્યાના અરસામાં ઈન્ફોસિટી ખાતે ટી સ્ટોલની સામે કેટલાય ઈસમો બેઠા હતા. એ દરમ્યાન પૈસાની લેતીદેતીમાં બે જુથ વચ્ચે ધિંગાણું થતાં અત્રેના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અચાનક બે જુથ વચ્ચે મારામારી થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
આ દરમ્યાન વાસણિયા મહાદેવનો જયપાલ સિંહ વાઘેલા નામનો યુવક ઈન્ફોસિટી પહોંચી ગયો હતો અને પોતાની પાસેની પિસ્તોલ બહાર કાઢીને સામેના યુવકો સામે તાકી દીધી હતી. જેનાં કારણે રંગપુરનાં યુવાનોમાં જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. આ બનાવના પગલે ઈન્ફોસિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગયો હતો.
આ અંગે ઈન્ફોસિટી પીઆઈ વી ડી વાળાએ જણાવ્યું હતું કે, રંગપુર અને વાસણિયા મહાદેવના યુવાનો વચ્ચે પૈસાની લેતીદેતીમાં માથાકૂટ થઇ હતી. ૧૫ હજારની લેતીદેતીમાં ત્રણ હજારની ઉઘરાણી બાબતે બન્ને ગામના યુવાનો વચ્ચે મારામારી થઇ હતી. આ દરમ્યાન વાસણિયા મહાદેવના જયરાજસિંહ વાઘેલાએ આવીને અચાનક પિસ્તોલ કાઢીને જાહેરમાં યુવાનો સામે તાકી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા નાસભાગ મચી ગઈ હતી.
આ બનાવના પગલે રંગપુરનાં રવિરાજ સિંહ જગતસિંહ ચાવડાની ફરિયાદના આધારે વાસણિયા મહાદેવના જયરાજસિંહ વાઘેલા, દિગ્વિજયસિંહ વાઘેલા અને નીરજસિંહ વાઘેલા સામે ગુનો દાખલ કરાયો છે. જ્યારે પોલીસની તપાસમાં મોંઘી કિંમતની પિસ્તોલ મેઈડ ઈન તાઈવાનની હોવાનું ખુલ્યું છે. નોંધનીય છે કે ભુતકાળમાં ઈન્ફોસિટી અપનાં અડ્ડા ખાતે હિંસક અથડામણમાં એકની જાહેરમાં હત્યા કરી દેવાઈ હતી અને આરોપી અપનાં અડ્ડા સામેનાં રોડ પરની નોનવેજની લારી પર જઈને બેસી ગયો હતો.