પૈસા માટે ૧૨ વર્ષની દીકરીના ૭૨ વર્ષના વૃદ્ધ સાથે સગા માં-બાપ નિકાહ કરાવવા નિકળ્યા

પાકિસ્તાનમાં અવારનવાર મહિલાઓના શોષણના સમાચારો સામે આવે છે. હવે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતા પોતાની ૧૨ વર્ષની દીકરીના લગ્ન ૭૨ વર્ષના વૃદ્ધ સાથે કરાવવા જઈ રહ્યા હતા. રિપોર્ટ અનુસાર પિતાનું નામ આલમ સૈયદ જણાવવામાં આવ્યું છે. તે તેની માસૂમ દીકરીના લગ્ન ૭૨ વર્ષના હબીબ ખાન સાથે પાંચ લાખમાં કરાવવા જઈ રહ્યો હતો.

જ્યારે પોલીસને આ બાબતની જાણ થઈ, ત્યારે વૃદ્ધ વરરાજા અને નિકાહ ખાવનની ધરપકડ કરવામાં આવી. માસુમ બાળકીનો પિતા ઘટનાસ્થળેથી નાસી ગયો હતો.

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ અનુસાર, બાળકીના પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. પાકિસ્તાનના પંજાબના રાજનપુર થટ્ટા નામના ગામમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પિતા પોતાની ૧૧ વર્ષની દીકરીના લગ્ન ૪૦ વર્ષના વ્યક્તિ સાથે કરાવી રહ્યા હતા. એક કિસ્સામાં, એક પિતા તેની સગીર પુત્રીના લગ્ન ૫૦ વર્ષના મકાનમાલિક સાથે કરાવવા જઈ રહ્યો હતો. ૬ મેના રોજ, પાકિસ્તાની પોલીસે ૧૩ વર્ષની છોકરી સાથે લગ્ન કરનાર ૭૦ વર્ષના વૃદ્ધની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, આ કેસમાં યુવતીને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે આરોપી પિતાની શોધ ચાલી રહી છે. પહેલા પાકિસ્તાનમાં છોકરીઓના લગ્ન માટે ન્યૂનતમ ઉંમર ૧૬ વર્ષ હતી, જે હવે વધારીને ૧૮ વર્ષ કરી દેવામાં આવી છે.