મુંબઇ, રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વિદાય લઈ રહેલા પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંઘ સામે જાતિય સતામણીના આક્ષેપો સાથે તેમની ધરપકડની માગણી કરીને દેખાવો યોજી રહેલા ભારતના મોખરાના કુસ્તીબાજો (પહેલવાનો) અંગેના મામલે કેન્દ્ર સરકાર સંવેદનશીલ છે તેમ કેન્દ્રના રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું.
મુંબઈ આવેલા અનુરાગ ઠાકુરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે કુસ્તીબાજોએ તેમણે કરેલા આક્ષેપોની તપાસ માટે સમિતિ રચવાની માગણી કરી હતી જે સરકારે સ્વિકારી લીધી છે અને આ અંગે તપાસની પ્રક્રિયા જારી છે. સાક્ષી મલિક, વિનેશ ફોગટ, બજરંગ પૂનિયા અને સંગીતા ફોગટ સહિત ભારતના કેટલાક ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાઓએ ડબ્લ્યુએફઆઇના વડા અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ સામે મહિલા પહેલવાનોની અને એક માયનોરની જાતિય સતામણીના આક્ષેપ સાથે નવી દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી ધરણા યોજ્યા છે અને હવે તો તેમણે આ મામલાના ઉકેલ આવે નહીં તો તેમણે જીતેલા મેડલ ગંગામાં પધરાવી દેવાની પણ ધમકી ઉચ્ચારી છે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનો આ મુદ્દો સરકાર અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. આ સંવેદનશીલ મુદ્દો છે. પહેલવાનોએ એફઆઇઆર દાખલ કરવાની માગણી કરી હતી જે દિલ્હી પોલીસ દ્વારા ફાઇલ થઈ છે. આ ઉપરાંત ફેડરેશન દ્વારા એક સમિતિની રચના પણ કરવામાં આવી છે કેમ કે તેમણે એવી માગણી કરી હતી કે આ તપાસમાં ફેડરેશનનો કોઈ હોદ્દેદાર સામેલ હોવો જોઇએ નહીં. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ પહેલવાનોને મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કરવાનું કહ્યું છે.