પહેલવાનોના ‘દંગલ’માં સચિનને વચ્ચે લાવતી કોંગ્રેસ: ઘર બહાર પોસ્ટર લગાવતાં જ પોલીસ દોડતી થઈ

મુંબઈ, દેશના પહેલવાનો દ્વારા કુશ્તી સંઘના પ્રમુખ રહેલા બ્રજભૂષણ સિંહ પર યૌન શોષણના આરોપોમાં ધરપકડની માંગ લઈને ધરણા કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દાને લઈને અનેક પ્રદર્શન કરવામાં આવતાં જંતર મંતર પરથી બળપૂર્વક તેમને હટાવાયા હતા.

બીજી બાજુ આ વિરોધ પ્રદર્શનની આંચ મહાન ખેલાડી સચિન તેંડુલકરના ઘર સુધી પહોંચી છે. પહેલવાનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને ખતમ કરવાની રીત અંગે પૂર્વ સ્પિનર અનિલ કુંબલેએ ટવીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી પરંતુ સચિને હજુ સુધી આ મુદ્દે કોઈ જ પ્રતિક્રિયા આપી ન હોવાથી તેને લઈને કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

યૂથ કોંગ્રેસ દ્વારા સચિન તેંડુલકરના બંગલા બહાર વિરોધ વ્યક્ત કરતું એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. પહેલવાનોના મામલે મહાન બેટર સચિને સાધી લીધેલા મૌનને લઈને પક્ષ તરફથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે.પોસ્ટરમાં પહેલવાનોને સમર્થન નહીં આપવાને કારણે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. સચિનના બંગલાની બહાર પક્ષ તરફથી લગાવવામાં આવેલા પોસ્ટરને લઈને મુંબઈ પોલીસ એકદમ એક્શનમાં આવી ગઈ અને તેને તુરંત જ હટાવી લેવાયું હતું.