પહેલવાનોના આંદોલનનો અંત લાવવા રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મહત્ત્વની બેઠક

નવીદિલ્હી, પહેલવાનોના આંદોલનનો અંત આવે તે માટે સરકારે કમર ક્સી લીધી છે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટવીટ કરીને જાણકારી આપી છે કે સરકાર પહેલવાનોના મુદ્દે ચર્ચા કરવા માંગે છે. મેં આ માટે ફરીવાર પહેલવાનોને આમંત્રિત કર્યા છે. આ પહેલાં પહેલવાનોનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું જ્યાં મોડીરાત્રે બે કલાક સુધી વાતચીત થઈ હતી.

તેના ઠીક બાદ સાક્ષી મલિક, બજરંગ પુનિયાએ રેલવેમાં પોતાની ફરજ સંભાળી લીધી હતી. જો કે આંદોલનનો અંત આવ્યો નથી. હવે સરકાર તરફથી વાતચીત માટે બોલાવવા એ એક મોટો ઘટનાક્રમ ગણવામાં આવી રહ્યો છે. દરમિયાન દિલ્હી પોલીસે આ મામલે ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહના સહયોગીઓ અને ઉત્તરપ્રદેશના ગોંડામાં તેના ઘેર કામ કરનારા લોકોના નિવેદનો નોંધ્યા છે.

બીજી બાજુ અનુરાગ ઠાકુરના ટવીટ પર અનેક લોકોએ રિ-ટવીટ કરીને લખ્યું છે કે આ મામલાને સરકારે યોગ્ય રીતે લેવો જોઈએ. અમિત શર્મા નામના એક યુઝર્સે લખ્યું કે આ નિર્ણય લેવામાં ઘણો જ સમય લેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે જે યુવતીના નિવેદનના આધારે બ્રિજભૂષણ વિરુદ્ધ પૉક્સો કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો તેનું નિવેદન સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ ફરીવાર નોંધવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ભાજપ સાંસદ વિરુદ્ધ નોંધાયેલા કેસના સંબંધમાં પૂરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે જેનો રિપોર્ટ અદાલતમાં પ્રસ્તુત કરવામાં આવશે.

દરમિયાન રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે તમામ પ્રકારના આરોપોનો નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. બ્રિજભૂષણ ઉપર મહિલા પહેલવાનોએ ગંભીર આરોપ લગાવ્યો છે અને તેની ધરપકડની માંગ કરી રહેલા પહેલવાનોના વિરોધ પ્રદર્શન અંગે તેમણે કહ્યું કે સરકાર માટે રમત અને ખેલાડી જ પ્રાથમિક્તા છે. તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ નોંધીને તેની તપાસ કરી રહી છે. ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવશે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.