
સુરત પોલીસનું સ્માર્ટ વર્ક, CCTV ફૂટેજનું તર્કસંગત વિશ્લેષણ અને ડ્રોન ટેક્નોલોજીનો સાચો ઉપયોગ…જી…હા આ ત્રણેયના સમન્વયથી 12 કલાકથી ગુમ એક 8 વર્ષની બાળકી જ્યારે ઘરે સલામત પરત ફરી ત્યારે ચોધાર આંસુએ રડતાં માતા-પિતાએ પોલીસનો આભાર માન્યો.
આ ઈમોશનલ કહાની છે એક 8 વર્ષની બાળકી અને તેના પરિવારના 12 કલાક લાંબા વિયોગની…સુરત શહેર, જ્યાં સૌથી વધુ બાળકીઓ પર દુષ્કર્મ, અપહરણના કેસ સામે આવતા હોય છે. ત્યાં ભણવા બાબતે ઠપકો આપતાં ગુસ્સે ભરાયેલી એક 8 વર્ષની માસૂમ ‘હું રમવા જાઉં છું’ એમ કહીને ઘરેથી નીકળી ગઈ.
એક કલાક વીત્યો…બે કલાક વીત્યા…ત્રણ કલાક વીત્યા…પણ માસૂમ ઘરે પરત ન ફરતાં ચિંતિત માતા-પિતા પોતાની વહાલસોયીને શોધવા સુરતની ગલીએ-ગલીએ નીકળે છે. જોતજોતાંમાં ક્યાં સાંજ અને રાત પડી જાય છે એ આ માતા-પિતાને પણ ખબર નથી રહેતી.
આખરે હારેલાં-થાકેલાં અને ડરેલાં માતા-પિતા અંદાજિત રાત્રે 8 વાગ્યે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા પહોંચે છે. માતા-પિતાની હાલત અને કેસની ગંભીરતાને જોતાં પોલીસ પણ તાત્કાલિક સક્રિય થાય છે અને 5 ટીમ બનાવી ગુમ બાળકીને શોધવા કામે લાગી જાય છે.
પોલીસે બાળકી ઘરેથી નીકળી ત્યારથી CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ત્યાં જ એક ક્લૂ મળ્યો, પણ પોલીસ સામે પણ એક ચેલેન્જ હતી. અંધારું, ભીડ ને ગભરાયેલી બાળકી, પણ આ બધા વચ્ચે સુરત પોલીસે સ્માર્ટ વર્ક બતાવ્યું અને 12 કલાકથી ગુમ બાળકીને પહેલીવાર ડ્રોનની મદદથી 45 મિનિટમાં ભીડભાડવાળી બજારમાંથી શોધી લીધી. જ્યારે 4 જવાન ભીડભાડવાળી બજારમાં પહોંચ્યા ત્યાં ખાખીને જોતાં જ દીકરી બાથ ભીડી ગઈ.
3 એપ્રિલ, 2025ના રોજ ઉધના વિસ્તારમાં રહેતાં પરિવારની 8 વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી ‘હું રમવા જાઉં છું’ કહીને સવારના 10:30 વાગ્યાની આસપાસ ઘેરથી નીકળી ગઈ હતી. લાંબા સમય સુધી બાળકી ઘરે પરત ન ફરતાં માતા-પિતાએ શોધખોળ શરૂ કરી હતી. રાતના આઠ વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતાં માતા-પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતાં અને આખરે ઉઘના પોલીસ સ્ટેશન દોડી ગયાં હતાં.
પોલીસ સ્ટેશનમાં પહોંચેલાં માતા-પિતા રડતાં-રડતાં એક જ વાત કરી રહ્યાં હતાં કે અમારી પુત્રી ઘરેથી નીકળી ગઈ છે અને મળતી નથી. આ મામલો ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક પાંચ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યાંથી રસ્તામાં આવતા તમામ 25 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ તેનાં માતા-પિતાએ આપેલા સમય મુજબ ચેક કરવામાં આવ્યા હતા. દુકાનો અને સરકારી સીસીટીવીના ફૂટેજના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી.
પોલીસને એક લીડ મળતાં એ તરફ તપાસ શરૂ કરી કલાકો સુધી 25થી વધુ CCTV ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી. એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઉધના BRC પોલીસચોકી પાસેથી વિજયાનગર શાકમાર્કેટ તરફ જતા જોવા મળી હતી, જેથી પોલીસે તરત એક ટીમને ત્યાં જવા માટે જણાવ્યું હતું, પરંતુ વિજયાનગર શાકમાર્કેટ તો સુરતની સૌથી ભીડવાળી જગ્યામાંની એક છે. હજારો લોકોની અવરજવર વચ્ચે એક બાળકીને શોધવી એ ઘાસની ગંજીમાંથી સોઈ શોધવી જેવી વાત હતી.
ભીડ અને સાંકડી શેરીઓને જોતાં પોલીસે ડ્રોન ઉડાડવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો. આ સુરત પોલીસ માટે પ્રથમ વખત હતું કે કોઈ ગુમ વ્યક્તિને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. લગભગ 45 મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજિત રાત્રે 10 વાગ્યે બાળકી શોધી કાઢવામાં આવી હતી.
માત્ર મિનિટોમાં જ કંઈક ચમત્કાર જેવું થયું ડ્રોનના વિઝનમાં શાકમાર્કેટની ભીડમાં એક નાનકડી બાળકી દેખાઈ હતી. એ જ કપડાં…એ જ ઉંમર…ડ્રોનનો કેમેરો ત્વરિત ઝૂમ કરી બાળકીને ફોકસ કરાઈ હતી. ત્યારે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.દેસાઈએ કહ્યું કે હા… બાળકી મળી ગઈ.

આટલું સાંભળીને ડ્રોનથી જણાવેલા સ્થળે ચાર પોલીસ જવાનો તત્કાળ પહોંચ્યા હતા. તેમને એક ભયભીત અને ભટકતી બાળકી નજરે પડી હતી. જેમ-જેમ પોલીસ બાળકીની નજીક ગઈ તેમ બાળકીને લાગ્યું કે કોઈ પરિચિત મળી ગયા છે. બાદમાં પોલીસકર્મીએ કહ્યું કે બેટા, તું ગભરાઈશ નહિ… અમે તને તારાં મમ્મી-પપ્પા પાસે લઈ જઈશું. આ શબ્દો સાંભળતાં જ બાળકી એક જ ઝટકે પોલીસ પાસે દોડી ગઈ અને રડવા લાગી હતી.
પોલીસ દ્વારા બાળકીને ઘરે પરત લાવવામાં આવતાં માતા-પિતાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. જેમણે પોલીસનો આભાર માનતાં કહ્યું કે આજે તમે અમારું જીવન બચાવી લીધું. ઉધના પોલીસની ઝડપભરી કાર્યવાહી, CCTV ફૂટેજનું તર્કસંગત વિશ્લેષણ અને ડ્રોન ટેક્નોલોજી આ બધાનું જ ભવ્ય પરિણામ હતું કે એક માસૂમ બાળકી સલામત ઘરે પરત આવી હતી.
પોલીસે માતા-પિતાને પણ કડક શબ્દોમાં ટકોર કરી પોલીસ-ઇન્સ્પેક્ટર એસ.એન.દેસાઈએ માતા-પિતાને કહ્યું હતું કે બાળકી વારંવાર ગુમ થાય એ ચિંતાજનક છે. માતા-પિતા તરીકે તમારે વધુ સાવચેતી રાખવી પડશે. જો ફરી આવું થયું, તો અમે કડક કાર્યવાહી કરીશું.