પહેલા યુપીમાંથી તોફાનો અને લૂંટફાટના સમાચાર આવતા હતા, હવે રોકાણની ચર્ચા છે: નરેન્દ્ર મોદી

લખનૌમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા આપણે કલ્પના પણ કરી શકતા ન હતા કે ઉતરપ્રદેશમાં મૂડીરોકાણનું આ પ્રકારનું વાતાવરણ સર્જાશે, પહેલા તોફાનો અને લૂંટફાટના અહેવાલો આવતા હતા. હવે અહીં રોકાણના સમાચાર આવે છે. જ્યારે ઉતરપ્રદેશમાં મૂડીરોકાણ આવે છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. પરિવર્તનનો સાચો ઈરાદો હોય તો તેને કોઈ રોકી શકતું નથી તેનું આ ઉત્તમ ઉદાહરણ છે તેમ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઉતરપ્રદેશમાંથી નિકાસ બમણી થઈ છે. પછી તે પાવર જનરેશન ક્ષેત્રે હોય કે ટ્રાન્સમિશન ક્ષેત્રે, આજે ઉતરપ્રદેશ પ્રશંસનીય કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, યુપી એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ એક્સપ્રેસ વે છે. નદીઓનું વિશાળ નેટવર્ક છે. જેનો ઉપયોગ માલસામાનના પરિવહન માટે કરવામાં આવે છે. અહીં દેખાતો આશાનો સંદેશ ઘણો વ્યાપક છે. અન્ય દેશોને ભારતના વિકાસ અંગે વિશ્વાસ છે. વિકસિત ભારત માટે નવા વિચાર અને વિચારોની જરૂર છે.

2014 પહેલા 2 લાખ રૂપિયા સુધીની આવક પર આવકવેરો લાગતો હતો. હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો લાગતો નથી. અમે વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને તેમના ઘરની નજીક યોજનાઓનો લાભ પૂરો પાડ્યો હતો. મોદીની ગેરેન્ટીવાળા વાહન, આજે ઉતરપ્રદેશના દરેક ગામ અને શહેરમાં પહોંચી ગયા છે. જ્યારે સરકાર પોતે જ લાભાર્થીઓ સુધી પહોંચે છે, તો આ સામાજિક ન્યાય લોકોને મળે છે. અગાઉ ભ્રષ્ટાચાર અને ભેદભાવના કારણે લોકોને કતારોમાં ઉભા રહેવું પડતું હતું. અને તેમાય લાભ તો નહોતો થતો.

પીએમ મોદીએ કહ્યું કે મોદી તેમને પણ પૂછે છે જેમને કોઈએ હજુ સુધી પૂછ્યું નથી. અમે લારી ફેરિયાવાળાઓ માટે PM સ્વાનિધિ યોજના લાવ્યા છીએ. આ યોજના હેઠળ 10 હજાર કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. આનાથી 22 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને ફાયદો થયો છે. જ્યારે ગરીબને સહારો મળે છે ત્યારે તે કંઈ પણ કરી શકે છે. આ સામાજિક ન્યાય છે, જેનું સપનું ક્યારેક જેપી અને ક્યારેક લોહિયાએ જોયું હતું. અમારી ડબલ એન્જિન સરકાર સામાજિક ન્યાય અને અર્થતંત્ર બંનેને ન્યાય આપે છે. 10 વર્ષમાં અમે 10 કરોડ બહેનોને આ યોજના સાથે જોડ્યા છે અને 1 કરોડ લોકોને લખપતિ દીદી બનાવ્યા છે. હવે સરકારે નક્કી કર્યું છે કે 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવામાં આવશે.