મુંબઇ,મહારાષ્ટ્રના માણસે પત્ની અને ૨ પુત્રીઓને જીવતી સળગાવી: ક્રૂરતાની હદ દર્શાવતી એક ઘટના મહારાષ્ટ્રના અહમદનગર શહેરના એક ગામમાંથી પ્રકાશમાં આવી છે. અહીંના એક ખેડૂતે તેની પત્નીને બે સગીર છોકરીઓ સાથે ઘરમાં બંધ કરીને જીવતી સળગાવીને જીવ લઈ લીધો. ૪૫ વર્ષના ખેડૂત સુનીલ લાંડગેની પોલીસે ધરપકડ કરી છે. તેમની પત્ની લલિતા ૩૫ વર્ષની હતી. તેમની મોટી દીકરી સાક્ષી ૧૪ વર્ષની હતી અને નાની ખુશી માત્ર ૧ વર્ષની હતી.
સુનિલે સવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે જણાવ્યું કે સવારે ૧૦.૩૦ વાગ્યે તેણે ઘરને બહારથી તાળું મારી દીધું હતું અને બારીમાંથી પેટ્રોલ છાંટ્યું હતું. આ પછી તેણે ઘરને આગ લગાવી દીધી. મહિલા અને બાળકોની ચીસો પાડોશીઓએ સાંભળી ત્યાં સુધીમાં આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું. પોલીસે જણાવ્યું કે આ પછી સુનીલે ત્યાંથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. જ્યાં સુધી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધી તે તે જ જગ્યાએ ઊભો રહ્યો.
ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુનિલને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. તે ઘણીવાર તેણીને માર પણ મારતો હતો. શનિવારે રાત્રે સુનિલને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. આનાથી ગુસ્સે થઈને તેણે લલિતા, સાક્ષી અને ખુશીને ઘરમાં બંધ કરી દીધા અને ઝઘડાની વાત કહેવા સંબંધીના ઘરે ગયો. સોમવારે સવારે તે પેટ્રોલનો ડબ્બો લઈને પરત આવ્યો હતો અને આ દુષ્કર્મ આચર્યું હતું. તમને જણાવી દઈએ કે સુનીલના પણ ત્રણ વધુ બાળકો છે જે તેના ભાઈ સાથે રહે છે.