પાદરામાં નશાકારક સિરપના વેચાણનો પર્દાફાશ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોડીન સિરપની ૪૨ બોટલો જપ્ત કરી

વડોદરા, છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મહાનગરોમાં સિરપના નામે યુવાઓને નશાના રવાડે ચડાવવાનું જાણે કે કૌભાંડ ચાલતુ હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજકોટ હોય કે ભાવનગર, કે હોય વડોદરા મહાનગરોમાં બેફામ ખુલ્લેઆમ, સિરપના નામે નશાના વેપારનું ષડયંત્ર ચાલી રહ્યું છે. યુવાઓ આવી સિરપના રવાડે ચડીને નશો કરે છે અને બરબાદીના રસ્તે ધકેલાય છે. વડોદરા જિલ્લાના પાદરામાં આવા જ એક નશાકારક સિરપના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

વડોદરાના પાદરામાં ગ્રામ્ય પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે તપાસ હાથ ધરી હતી. જ્યાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોડીન સિરપની ૪૨ બોટલો જપ્ત કરી છે. જે પછી ગ્રામ્ય પોલીસની ટીમે મેડિકલ સ્ટોર્સ સંચાલક સામે કરી કાર્યવાહી કરી છે. સ્ટોર્સ સંચાલક પ્રિસ્ક્રિપ્શન વગર સિરપનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કાર્યવાહીથી સ્પષ્ટ થઇ ગયું છે કે નશાનો વેપાર કરનારાઓ બેફામ બન્યા છે અને તેમને અટકાવવા જરૂરી છે.