પંચમહાલ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ, CM ભૂપેન્દ્ર પટેલે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી
પંચમહાલ જીલ્લામાં જાંબુધોડા તાલુકામાં મોડી રાત્રી થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાંબુધોડા તાલુકામાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા નદીઓ બે કાંઠે થઈ છે. નાળાઓ છલકાઈ જતાં અમુક વિસ્તારમાં રસ્તા ઉપર થી વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યા. જ્યારે હાલોલ તાલુકામાં 3 ઈંચ,ગોધરા 3 ઈંચ, કાલોલ 1 ઈંચ, વરસાદ નોંધાવા પામ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાવા પામ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગવી સંવેદનશીલતાનું ઉદાહરણ પુરુ પાડતાં રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યમાં દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના ૬ જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા આ જિલ્લાના કલેક્ટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી કરીને સ્થિતિનો સંપૂર્ણ જાયજો મેળવ્યો હતો. આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી.
કેટલા લોકોનું કરાયું સ્થળાંતર
છોટાઉદેપુરમાં ૪૦૦, નવસારીમાં ૫૫૦ અને વલસાડમાં ૪૭૦ સહિત રાજ્યમાં ૩,૨૫૦ જેટલાં નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. મુખ્યમંત્રીએ આગામી બે દિવસ ગુજરાતમાં હજુ વ્યાપક વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે આ જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે, જરૂર જણાયે હજુ વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની વ્યવસ્થાઓ માટે તેઓ સજ્જ રહે. એટલું જ નહીં, પોલીસ દળની મદદ લઈને પણ લોકોનું સ્થળાંતર થાય, વરસાદને પગલે કોઈ જાનહાની ન થાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે જોવા તેમણે ખાસ તાકીદ કરી હતી.