થોડા દિવસો અગાઉ ભારત અને ચીનની સેના જવાન વચ્ચે અરૂણાચલના તવાંગ સેક્ટરમાં ઘર્ષણ થયું હતું. જે બાદ ચીનની અવળચંડાઇ સામે આવી છે. આ વચ્ચે ઘણા સેટેલાઇટ તસવીર સામે આવી છે. જેમાં નવા પુલના નિર્માણ ડોકલામમાં કાયમી બાંધકામ અને ગામ જેવું સ્ટ્રક્ટ જોવા મળી રહ્યું છે. આ તસવીરોમાં ચીનના વધી રહેલા અતિક્રમણનો સંકેત માનવામાં આવે છે.
ડોકલામ ભારત-તિબેટ-ભૂતાન ત્રિ-જંકશન છે. ડોકલામ વિસ્તારમાં ઘણા વર્ષો પહેલા સર્જાયેલો તણાવ ફરી એકવાર માથું ઉંચક્તો જણાઇ રહ્યો છે. ડોકલામમાં ચીન તરફથી કાયમી બાંધકામના સંકેતો મળી રહ્યા છે, જે ભારત ચીન ફેસઓફનો મુખ્ય મુદ્દો રહ્યો છે. સેટેલાઇટ તસ્વીરોમાંથી આના સંકેત મળી રહ્યા છે. આ વચ્ચે સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત આ ક્ષેત્રમાં ચીનના બાંધકામ પર નજર રાખી રહ્યું છે.
ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ બાદ અરૂણાચલ પ્રદેશમાં તણાવ વધી રહ્યો છે, ત્યારે ડોકલામ વિસ્તારમાંથી ફરી એકવાર અશાંત બાંધકામના પુરાવા સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લગભગ પાંચ વર્ષ પહેલા ૨૦૧૭માં ડોકલામમાં ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે ૭૩ દિવસ સુધી અથડામણ થઈ હતી.અહેવાલો અનુસાર ચીનના સૈનિકો હજૂ પણ ભૂટાનના એવા વિસ્તાર પર કબ્જો કરી રહ્યા છે, જે ભારતને પસંદ નથી. ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સને ટાંકીને જણાવ્યું છે કે, ચીને સરહદો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું છે, ભારે હથિયારો સ્ટોર કરવા માટે ટનલ બનાવી છે અને સરહદોની નજીક પોતાની તાકાત બમણી કરી છે.
તાજેતરના અહેવાલોમાંથી જાણવામાં આવી રહ્યું છે કે, ભારતીય સેના પણ તેના માળખાકીય સુવિધાઓમાં વધારો કરી રહી છે. ભારત પણ સૈનિકોની તૈનાતીમાં વધારો કરી રહ્યું છે. તાજેતરના ફેરફારો એ હદે થયા છે કે, બંને પક્ષોના સૈનિકો વચ્ચે માત્ર થોડા મીટરનું જ અંતર છે.
ચીનના નવા બાંધકામોને લઈને ભારત ચિંતિત છે. આ બાંધકામમાં પુલનો પણ સમાવેશ થાય છે. આવા સમયે બંને દેશો વચ્ચે તણાવ વધવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય અને વ્યૂહાત્મક બાબતોની સમજ ધરાવતા લોકોના મતે, પાંચ વર્ષ પહેલાંની જેમ બંને દેશો વચ્ચે વધુ એક મડાગાંઠ ઊભી થઈ શકે છે.
આ અંગે સૂત્રોનું કહેવું છે કે, ભારત ચીનના બાંધકામ પર નજર રાખી રહ્યું છે અને જો એવું લાગશે કે, ભારતની સાર્વભૌમત્વ સાથે ચેડા થઈ રહ્યા છે તો કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. ડોકલામની આસપાસના વિસ્તારોમાં માર્ગ વિસ્તરણની પ્રવૃત્તિના અહેવાલો પણ છે, જ્યાં ૨૦૧૭માં સ્ટેન્ડઓફ થયો હતો.અમેરિકન ફર્મ- પ્લેનેટ લેબ્સ પીબીસી અને કેટલાક અન્ય અહેવાલોમાંથી તાજેતરની સેટેલાઇટ ઇમેજ પણ ભારત અને ચીન વચ્ચેની ભૌગોલિક પરિસ્થિતિમાં ફેરફારની પુષ્ટિ કરે છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત-ભૂતાન-ચીન ટ્રાઇ-જંક્શનથી લગભગ ૯ કિમી દૂર, ચીન ભૂટાનના ક્ષેત્રમાં ૨૦૨૦ માં સ્થપાયેલા પાંગડા ગામમાં પોતાની હાજરીનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે. ૨૦૨૧ માં પણ વિસ્તરણ જોવા મળ્યું હતું. તાજેતરમાં દક્ષિણમાં વધુ વિસ્તરણ જોવા મળ્યું છે.તાજેતરના સેટેલાઇટ ઈમેજીનું વિશ્લેષણ નવી ઈમારતો તેમજ ટોર્સાના જળાશય પર પુલના નિર્માણની પુષ્ટિ કરે છે. સિલિગુડીની ચિકન નેક પણ આ ક્ષેત્રમાં ભારતની સૌથી મોટી ચિંતા છે. સિલીગુડી કોરિડોર તરીકે ઓળખાતા આ વિસ્તારની નજીક ચીન તરફથી બાંધકામની શક્યતા છે. ચિકન નેક એક સાંકડો માર્ગ છે. સૌથી સાંકડા બિંદુઓમાંથી એક, આ કોરિડોર ૨૨ કિમી સુધી લંબાય છે.
સિલિગુડી કોરિડોર, જે ઉત્તર-પૂર્વીય રાજ્યોને દેશના બાકીના ભાગો સાથે જોડે છે, તે પણ મહત્વપૂર્ણ છે. કારણ કે, તાજેતરની તસવીરોએ ડોકલામની દક્ષિણમાં વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ દર્શાવ્યું છે. ઉત્તરમાં સરહદથી લગભગ ૨૦ કિમી દૂર નવા ગામોના સમૂહને લેંગમાર્પો કહેવામાં આવે છે. આ વિસ્તારોમાં સાઈબુરુ, ચૈતાંગશા અને કુલેનો સમાવેશ થાય છે. ચીન દ્વારા ભૂટાનના પ્રદેશમાં વસાવાયેલા ગામડાઓમાં પણ ઝડપથી બાંધકામ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, લગભગ ૬૩ મહિના પહેલા ઓગસ્ટ ૨૦૧૭માં ૭૩ દિવસ સુધી ભારત-ચીન વચ્ચે મડાગાંઠ શરૂ થઈ હતી, જ્યારે ભારતીય સૈનિકોએ ચીન અને ભૂટાન વચ્ચેના વિવાદિત વિસ્તાર ડોકલામમાં ચીનના રોડ નિર્માણને અટકાવ્યું હતું. વ્યૂહાત્મક નિષ્ણાતોનું માનવું છે કે, રોડ કનેક્ટિવિટી ચીનને સિલિગુડી કોરિડોર સુધી સીધો પ્રવેશ આપશે, જેનાથી ચીનને વ્યૂહાત્મક ફાયદો થશે. અહેવાલો અનુસાર વિરોધ અને દબાણને કારણે ચીને બાંધકામ અટકાવવું પડ્યું હતું. એ પણ ચોંકાવનારી હકીક્ત છે કે, ચીની સૈનિકો સતત પોતાની ફાયરપાવર વધારી રહ્યા છે. ભારતીય સેના પણ જવાબી કાર્યવાહી અને મેચ કરવાના પ્રયાસો કરી રહી છે.