
પ.બંગાળના હુગલી જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાની લાશ ઝાડ પર લકટેલી અવસ્થામાં મળી આવી હતી. પોલીસે આ અંગે જણઆવ્યું હતું કે ખાનાતી વિસ્તારમાં ઘોઘાટ રેલવે સ્ટેશન નજીક ગણેશ રોય નામના એક વયસ્ક મજૂરની લાશ ઝાડ પર લટકેલી મળી આવી છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે આ કાર્યકર્તાની તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ હત્યા કરી છે. મૃતક રોય શનિવાર સાંજથી લાપતા થયો હતો અને તેના મોત પાછળના કારણોની પોલીસ વધુ તપાસ કરી રહી છે.
મૃતકના પરિવારજનોએ પણ પોલીસને જણાવ્યું છે કે રોયની હત્યા તેના રાજકીય હરીફો દ્વારા કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલિપ ઘોષે આક્ષેપ કર્યો છે કે રોયની ટીએમસી દ્વારા હત્યા કરાઈ છે અને બાદમાં તેની લાશને ઝાડ પર લટકાવી દીધી છે. આ કૃત્ય દ્વારા ટીએમસી અન્ય લોકોમાં ભય ઊભો કરવામાં માંગે છે.
ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેની સામે અમે મક્કમ રીતે પ્રતિકાર કરીશું. ભાજપનું જનસમર્થન વધી રહ્યું હોવાથી ટીએમસી ડઘાઈ ગઈ છે તેમ ઘોષે વધુમાં જણાવ્યું હતું. બીજીતરફ ટીએમસીએ જણાવ્યું હતું કે તેમના કોઈ જ સભ્યનો આ ઘટનામાં હાથ નથી.
સ્થાનિક ટીએમસી ધારાસભ્ય માનસ મજૂમદારે, ભાજપ પર જ આ મામલે આંગળી ચીંધી હતી. મજૂમદારે કહ્યું કે અમારા પક્ષનો કોઈ જ સભ્ય આ ઘટનામાં સામેલ નથી. તપાસ બાદ સત્ય બહાર આવી જશે.
હુગલીના ભાજપના સાસંદ લોકેટ ચેટરજીએ આ સમગ્ર માલમે કહ્યું કે, આ પ્રકારનું હત્યાનું રાજકારણ બંધ થવું જોઈએ. લોકશાહીના ખેરખાંઓ ક્યાં છે અને પશ્ચિમ બંગાળમાં ક્યારેય ના અટકતા ભાજપના કાર્યકર્તાઓની હત્યાના સીલસીલા પર કેમ ચૂપ છે. કાર્યકર્તાની હત્યાના વિરોધમાં ભાજપના કાર્યકરોએ ઘોઘાટ-અરામબાગ રોડ ચક્કાજામ કરી દીધો હતો. પોલીસે બાદમાં કાર્યકરોને સમજાવીને વીખેરતા મામલો થાળે પડ્યો હતો.
અગાઉ 28 જુલાઈના ભાજપના બુથ અધ્યક્ષની લાશ ઉત્તર મિદનાપોર જિલ્લામાં હલ્દિયા ખાતે લકટેલી હાલતમાં મળી આવી હતી. આ અગાઉ ભાજપના નેતા તેમજ હેમતાબાદના ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રાયની લાશ પણ ઉત્તર દિનાજપુર જિલ્લામાં તેમના ઘર નજીકથી લટકેલી અવસ્થામાં મળી આવી હતી. રાયના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ટીએમસીએ ઠંડા કલેજે તેમની હત્યા કરી છે. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટને ટાંકકા શાસક ટીએમસીએ કહ્યું હતું કે આ એક આત્મહત્યા હતી.