ઑનર કિલિંગ: પિતા અને ભાઇએ મળીને યુવતીની હત્યા કરી

લાહોર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક છોકરીને જીવતી સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના શુક્રવારે લાહોરથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર ઝંગ જિલ્લાના ગઢ મહારાજામાં બની હતી. આ ઘટનાની જાણ પોલીસને રવિવારે આપવામાં આવી હતી. પોલીસના પ્રમાણે આ મામલો ઓનર કિલિંગનો છે.

આ કેસ અંગે તપાસ અધિકારી મોહમ્મદ આઝમે રવિવારે જણાવ્યું હતું કે રજબ અલીએ તેના પુત્રો જબ્બાર અને આમિર અને પરિવારના અન્ય સભ્યો સાથે મળીને ૨૬ મેના રોજ ઘરને આગ લગાડતા પહેલા તેની ૨૦ વર્ષની પુત્રી પર નિર્દયતાથી અત્યાચાર કર્યો હતો.

યુવતી પોતાના પસંદના યુવક સાથે લગ્ન કરવા માંગતી હતી. જેને લઇને એક દિવસ પહેલા, ઘરેથી નીકળી ગઈ હતી અને પાછા ફરતા પહેલા તે માણસ સાથે થોડો સમય વિતાવ્યો હતો.

આઝમે જણાવ્યું કે, પરત ફરતી વખતે તેના પિતા, બે ભાઈઓ અને પરિવારની કેટલીક મહિલાઓએ તેને દોરડાથી બાંધી દીધી અને યુવતીને આગ લગાડતા પહેલા તેના પર ખરાબ રીતે ત્રાસ ગુજાર્યો હતો. આટલુ જ નહીં પીડિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું. તેમણે કહ્યું, યુવતીના મૃત્યુ પહેલા તેણે પોલીસને આગ લગાડનારા લોકો વિશે જણાવ્યુ હતુ.

પોલીસે પીડિતાના પિતા, બે ભાઈઓ અને એક બહેનની ધરપકડ કરી છે. આરોપી સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓને તેમના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી અને તેઓ કહે છે કે આ યુવતીએ પરિવારના સન્માનને ઠેસ પહોંચાડી છે.