ઓવલમાં ભારતની ૨૦૯ રને શરમજનક હાર, ઓસ્ટ્રેલિયા બન્યું ’વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન’

લંડન, ભારતીય ક્રિકેટ ટીમનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર રોળાયું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૨૦૯ રને પરાજય આપી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની બાદશાહત સ્થાપિત કરી લીધી છે. ભારતને ચોથી ઈનિંગમાં જીત માટે ૪૪૪ રનનનો ટાર્ગેટ મળ્યો હતો અને પાંચમાં દિવસે ભારતને જીત માટે ૨૮૦ રનની જરૂર હતી. પરંતુ ભારતીય ટીમ ૨૩૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ૨૦૨૧માં ભારત ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું.

ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં તમામ ૧૦ વિકેટ ગુમાવી ૪૬૯ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે સદી ફટકારી હતી. જેના જવાબમાં ભારતીય ટીમ ૨૯૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગના આધારે ૧૭૩ રનની લીડ મળી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગમાં ૮ વિકેટે ૨૭૦ રન બનાવી ડિકલેર કરી હતી અને ભારતને જીત માટે ૪૪૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ ૨૩૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાએ આપેલા ૪૪૪ રનના લક્ષ્યના જવાબમાં ભારતે સારી શરૂઆત કરી હતી. પરંતુ શુભમન ગિલ ૧૮ રન બનાવી બોલેન્ડનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા ૪૩ રન બનાવી આઉટ થયો હતો. ચેતેશ્ર્વર પુજારાએ ૨૭ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ૪૯ રન ફટકાર્યા હતા. આ સિવાય રહાણેએ ૪૬, જાડેજા અને શાર્દુલ શૂન્ય-શૂન્ય રન બનાવી આઉટ થયા હતા.

ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગમાં ૮ વિકેટે ૨૭૦ રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ ઈનિંગની ૧૭૩ રનની લીડ બાદ ભારતને જીત માટે ૪૪૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગમાં એલેક્સ કેરીએ સૌથી વધુ અણનમ ૬૬ રન બનાવ્યા હતા. તો મિચેલ સ્ટાર્ક અને માર્નસ લાબુશેને ૪૧-૪૧ રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય સ્મિથે ૩૪, ગ્રીને ૨૫, ટ્રેવિસ હેડ ૧૮ રન બનાવી આઉટ થયા હતા.

ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં ૪૬૯ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ ૧૬૩ રન ફટકાર્યા હતા. આ સિવાય સ્ટીવ સ્મિથે ૧૨૧ રન બનાવ્યા હતા. આ સિવાય એલેક્સ કેરીએ ૪૮, વોર્નરે ૪૩, લાબુશેને ૨૬ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સિરાજે ૪, શમી અને શાર્દુલે બે-બે વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં ૨૯૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અંજિક્ય રહાણેએ સૌથી વધુ ૮૯ રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરે ૫૧, જાડેજાએ ૪૮ રનનું યોગદાન આપ્યું હતું. રોહિત શર્મા ૧૫, ગિલ ૧૩, પુજારા ૧૩, કોહલી ૧૩ રન બનાવી આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે ત્રણ, ગ્રીન, બોલેન્ડ અને સ્ટાર્કે બે-બે વિકેટ લીધી હતી.