આઉટ થયા પછી વિરાટની વિચિત્ર હરક્તથી ચીડાયા ચાહકો, સોશિયલ મીડિયા પર કરી ધોલાઈ

મુંબઇ, હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ રહી છે. એમાં પહેલાં બે દિવસમાં જ ભારત લગભગ આ ફાઈનલ હારી ગયું હોય એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અગાઉ જ્યારે ટીમ ઈન્ડિયા આવી કોઈ મહત્ત્વની મેચમાં મહેનત કરવા છતાં પણ હારી જતું હતું ત્યારે સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓ બબ્બે-ત્રણ ત્રણ દિવસ સુધી ખાવાનું નહોતા ખાતા. એમને રમત પ્રત્યે, પોતાનાથી થયેલી ભૂલો પ્રત્યે, કરોડો લોકોની તેમના પ્રત્યેની લાગણી પ્રત્યે સભાનતા હતી. અત્યારે તો જાણે એવું કંઈ રહ્યું જ નથી. ફાઈનલમાં આઉટ થઈને પવેલિયનમાં બેઠાં પછી વિરાટની વિચિત્ર હરક્ત સામે આવી એ જાઈને ચાહકો પણ ચીડાયા હતાં.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ની પ્રથમ ઈનિંગમાં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો. આ મેચમાં પ્રશંસકોને વિરાટ કોહલી પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ હતી, પરંતુ તે બેટથી શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન વિકટ કોહલીનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો તેના બરતરફ થયા પછીનો છે. આઉટ થયા બાદ વિરાટ કંઈક એવું કરતો જોવા મળ્યો જેનાથી ફેન્સ ગુસ્સે થઈ ગયા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચની પ્રથમ ઇનિંગમાં વિરાટ કોહલીએ ૧૪ રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીએ આ દરમિયાન માત્ર ૩૧ બોલનો સામનો કર્યો અને મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો. વિરાટ આઉટ થયા બાદ જ ફૂડ ખાતા જોવા મળે છે. તેના આ કૃત્ય પર ચાહકો ઉગ્રતાથી પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે આટલી મોટી મેચમાં આઉટ થયા પછી પણ વિરાટના ચહેરા પર વિકેટ ગુમાવવાનું દુ:ખ નથી.

વિરાટ કોહલીનો જમવાનો ફોટો વાયરલ થયા બાદ સચિન તેંડુલકરનું એક નિવેદન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ૨૦૦૩ વર્લ્ડ કપની ફાઇનલમાં સચિન તેંડુલકર વહેલો આઉટ થયો હતો. સચિન તેંડુલકરે બાદમાં ખુલાસો કર્યો હતો કે આ મેચમાં ફ્લોપ થયા બાદ તેણે ૩ દિવસ સુધી ભોજન લીધું ન હતું.