મુંબઇ,એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સે ૯૬મા એકેડેમી એવોર્ડ સમારોહની તારીખ જાહેર કરી છે. એકેડમી અનુસાર, ૯૬મો ઓસ્કાર એવોર્ડ સમારોહ ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ યોજાશે. તાજેતરમાં, ૧૨ માર્ચ, ૨૦૨૩ ના રોજ, લોસ એન્જલસના ડોલ્બી થિયેટર્સમાં ૯૫મો ઓસ્કાર એવોર્ડ સમારોહ યોજાયો હતો.
એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને ઓસ્કર એવોર્ડની નવી તારીખ વિશે માહિતી આપી. તારીખ શેર કરતી વખતે, એકેડમીએ લખ્યું – તારીખ સાચવો! ૯૬મો ઓસ્કાર સમારોહ ૧૦ માર્ચ, ૨૦૨૪ રવિવારના રોજ યોજાશે.
એકેડેમીએ ઓસ્કર માટે સામાન્ય શ્રેણીમાં સબમિશનની છેલ્લી તારીખ તરીકે નવેમ્બર ૧૮, ૨૦૨૩ નક્કી કરી છે. એન્ટ્રીઓ શોર્ટલિસ્ટ થયા બાદ એવોર્ડ માટે વોટિંગ ૧૮ ડિસેમ્બરે શરૂ થશે. તેના પરિણામો ૨૧ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. તે જ સમયે, નોમિનેશન કેટેગરીમાં મતદાન કરવાનો સમય ૧૧ થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૪ની વચ્ચે રહેશે. ઓફિશિયલ નોમિનેશન ૨૩ જાન્યુઆરીથી શરૂ થશે.
ભારતે ૯૫મા ઓસ્કાર એવોર્ડ સમારોહમાં બે કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ જીત્યો હતો. SS રાજામૌલીના RRR ના ગીત ’નાટુ- નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોન્ગ માટે ઓસ્કર મળ્યો. તે જ સમયે, કાર્તિકી ગોન્સાલ્વિસની બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી ’ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ને પણ ઓસ્કર એવોર્ડ મળ્યો હતો.