ઓરિસ્સાના આરોગ્ય મંત્રી પર જીવલેણ હુમલો:કારમાંથી નીચે ઉતરતા જ ગોળી મારી

  • છાતીમાં ૪-૫ ગોળીઓ વાગી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ.

ભુવનેશ્નર,

ઓરિસ્સાના આરોગ્ય મંત્રી નાબા દાસ પર ઝરસુગુડા જિલ્લામાં બ્રીજરાજનગર પાસે હુમલો કરવામાં આવ્યો હતો. તેમને ગાંધી ચોક પાસે એક પોલીસકર્મીએ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નાબા દાસ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. તેમને ભુવનેશ્ર્વર માટે એરલિટ કરવામાં આવ્યા છે.

નાબા કિશોર દાસે ઓરિસ્સાના ઝરસુગુડા સીટ પરથી ૨૦૦૪માં પ્રથમ વખત કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી હતી. તેઓ પ્રથમ વખત ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ ૨૦૦૯માં ફરીથી તેમણે કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. તેઓ ૨૦૧૪માં પણ કોંગ્રેસમાંથી જીત્યા હતા. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં તેઓ સતત ત્રીજી વખત આ સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. તેમને આ ક્ષેત્રના દિગ્ગજ નેતા માનવામાં આવે છે.કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચેલા આરોગ્ય મંત્રી નાબા દેસ જેના પોતાની કારમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે જ ASI એ તેમના પર ફાયરિંગ કરી દીધું હતું. જો કે આ હુમલા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઘટના બાદ બીજેડીના કાર્યકરો ધરણા પર બેસી ગયા હતા, જે બાદ સ્થળ પર તણાવભર્યું વાતાવરણ બની ગયું છે.

સ્થાનીક મીડિયા રિપોર્ટ મુજબ, નાબા દાસ પર ફાયરિંગ તેમની જ સુરક્ષામાં તહેનાત ASI ગોપાલદાસે જ કર્યું છે. આરોગ્ય મંત્રી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસ તરફથી હજી સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ આમામલે તપાસ કરી રહી છે. જ્યારે આરોપી ASI ગોપાલ દાસ ફરાર થઈ ગયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે નાબા દાસ પર આ હુમલો એક પૂર્વયોજિત હતો. કારણકે મંત્રીજીને ખુબ જ નજીકથી ગોળી મારવામાં આવી છે. આ ઘટનાએ ફરી એક વખત સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. કારણ કે નાબા દાસને પોલીસ સુરક્ષા પણ મળેલી છે. એવામાં હુમલાખોરે આટલી નજીકથી આવીને આરોગ્ય મંત્રીને ગોળી મારવી, તેને સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે.

નાબા કિશોર દાસ ૨૦૧૫માં વિધાનસભા સત્ર દરમિયાન પોર્ન જોતા પકડાયા હતા. ત્યારબાદ તાત્કાલિક વિધાનસભાના અયક્ષ નિરંજન પુરારીએ તેમને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલે નાબા કિશોરે કહ્યું હતું કે મેં મારા જીવનમાં આજ સુધી ક્યારેય કોઈ એડલ્ટ વીડિયો જોયો નથી. ઈન્ટરનેટના ઉપયોગ દરમિયાન ભુલથી આવું થઈ ગયું હતું.