
ઓડિશાના આગામી મુખ્યમંત્રીના નામને એક-બે દિવસમાં મંજૂરી મળી જશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનમોહન સામલે મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે કહ્યું કે પાર્ટીની સંસદીય બોર્ડ ટૂંક સમયમાં નિર્ણય લેશે.
સામલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રહ્મપુરમાં ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે ભાજપના નવા મુખ્યમંત્રી ૧૦ જૂને શપથ લેશે. વડાપ્રધાન દ્વારા નિર્ધારિત માપદંડોના આધારે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. તે એક ઓડિયા વ્યક્તિ હશે જે રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખશે. તેમણે કહ્યું કે, ભાજપે ચૂંટણી પહેલા કરેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી ઓડિયા ગૌરવ, સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટે લડવામાં આવી હતી. લોકોએ ભાજપના આશ્ર્વાસનો પર વિશ્વાસ કર્યો અને નવી સરકાર તેને પૂર્ણ કરવા માટે કામ કરશે. સામલે કહ્યું, નવી સરકારનો મુખ્ય એજન્ડા બીજેડી સરકારની બીજુ સ્વાસ્થ્ય કલ્યાણ યોજના (બીએસકેવાય) ને કેન્દ્રની આયુષ્માન ભારત સ્વાસ્થ્ય સંભાળ યોજના સાથે બદલવાનો હશે. મ્જીદ્ભરૂ નો વ્યાપ મર્યાદિત છે, તેથી નવી સરકાર આયુષ્માન ભારત યોજના લાગુ કરશે. રાજ્યની બહાર રહેતા લગભગ ૧.૫ કરોડ ઓડિયા લોકોને પણ ફાયદો થશે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશામાં લોક્સભા અને વિધાનસભામાં ભાજપને મળેલા જંગી સમર્થનને પીએમ મોદી પર રાજ્યની જનતાનો વિશ્વાસ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદથી ઓડિશાના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.બીજેપી પણ પહેલીવાર રાજ્યમાં પોતાની સરકાર બનાવશે. પ્રધાને સંબલપુર લોક્સભા બેઠક પરથી બીજેડીના પ્રણવ પ્રકાશ દાસને એક લાખથી વધુ મતોના અંતરથી હરાવ્યા છે. રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે પણ તેમના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.