હવે ઓડિશામાં સરકારી અને ખાનગી ક્ષેત્રની મહિલા કર્મચારીઓને મહિનામાં એક દિવસની રજા મળશે. ડેપ્યુટી સીએમ પ્રવતિ પરિદાએ સ્વતંત્રતા દિવસના અવસર પર આ જાહેરાત કરી હતી. કટકમાં સ્વતંત્રતા દિવસના અવસર પર બોલતા તેમણે કહ્યું કે અત્યાર સુધી મહિલાઓને તેમના પીરિયડ્સ દરમિયાન રજા મળતી નથી. હવે અમે એક દિવસની રજા આપવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત મહિલાઓ પીરિયડ્સના પહેલા કે બીજા દિવસે રજા લઈ શકશે. આ રજા તેના માટે વૈકલ્પિક હશે એટલે કે તે ઈચ્છે તો જ તેને મળશે. તેમણે કહ્યું કે આ નિર્ણય સરકારી કર્મચારીઓની સાથે ખાનગી કંપનીઓને પણ લાગુ પડશે.
એક રિસર્ચ મુજબ ૪૦ ટકા છોકરીઓ પીરિયડ્સના કારણે સ્કૂલે નથી જઈ શક્તી. શાળાઓમાં ગોપનીયતાનો અભાવ, શિક્ષણનો અભાવ અને જાગરુક્તા જેવી બાબતોને કારણે તેઓને લાગે છે કે ઘરમાં રહેવું વધુ સારું છે. લગભગ ૬૫ ટકા છોકરીઓનું કહેવું છે કે પીરિયડ્સના કારણે તેમનું સ્કૂલ એજ્યુકેશન પ્રભાવિત થાય છે. તેઓએ શાળા અને વર્ગો ચૂકી જવું પડે છે. ઘણી વખત તેઓ સંકોચના કારણે જતા નથી અને કેટલીક વખત તેમની તબિયત તેમને સાથ નથી આપતી. સામાજિક કાર્યકરોએ પણ ઓડિશા સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે.
સામાજિક કાર્યર્ક્તા નમ્રતા ચઢ્ઢાએ આ નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે કામકાજની મહિલાઓ લાંબા સમયથી આની માંગ કરી રહી છે. ચઢ્ઢાએ કહ્યું, ‘હું વકગ વુમન વતી ડેપ્યુટી સીએમ પ્રવતી પરિદાનો આભાર માનું છું. તેને સરકારી ક્ષેત્રમાં સરળતાથી લાગુ કરી શકાય છે. પરંતુ કોર્પોરેટ અને ખાનગી ક્ષેત્રમાં તેનો અમલ કરવો મુશ્કેલ બનશે. જ્યારે પ્રાઈવેટ સેક્ટરમાં ઘણી જગ્યાએ મેટરનિટી લીવ મેળવવી પણ મુશ્કેલ છે તો પછી પીરિયડ લીવ કેવી રીતે મળશે? પીરિયડ્સ માટે પેઇડ લીવ મંજૂર કરવી તેમના માટે કદાચ મુશ્કેલ હશે.
નોંધનીય છે કે આવી માંગ સાથેની એક અરજી સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ હતી, જેને કોર્ટે ધ્યાનમાં લેવાનો ઈક્ધાર કરી દીધો હતો. ખંડપીઠે કહ્યું કે આવી નીતિથી મહિલાઓ મોટા પાયે વર્કફોર્સનો હિસ્સો બની શકે છે, પરંતુ આમાં નોકરીદાતાઓનું શું વલણ હશે. આ જાણવું અગત્યનું છે. ઉલ્લેખનીય છે કે જાપાન, ચીન, તાઈવાન, કોરિયા જેવા દેશોએ પીરિયડ્સ પર નીતિઓ બનાવી છે. ભારતમાં પણ આની માંગ ઉઠી છે. ભારતમાં શ્રમ કાયદામાં મેટરનિટી બેનિફિટ એક્ટ છે. આ અંતર્ગત આ અંગે નિર્ણય લેવાનું સંસ્થાને છોડી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઓડિશા પહેલા બિહાર અને કેરળમાં પીરિયડ્સ લીવની જોગવાઈ છે. બિહારમાં બે દિવસની રજા અને કેરળમાં ત્રણ દિવસની રજાનો નિયમ છે.